યોગી, કેજરીવાલ, ભાગવતને જાનથી મારી નાખવાની ધમકી

April 24, 2019 at 10:31 am


ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં બે રેલવે સ્ટેશન માસ્તર પાસે આતંકવાદી સંગઠનના નામે મળેલી ચિઠ્ઠીએ સુરક્ષા એજન્સીઓની ઉંઘ હરામ કરી નાખી છે. આ ચિઠ્ઠીમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

ઉપરોક્ત બન્ને રેલવે સ્ટેશનો પર મોકલવામાં આવેલી એક જેવી ચિઠ્ઠીમાં 13 મેએ શામલી, બાગપત, મેરઠ, હાપુડ, ગજરૌલા, ગાજિયાબાદ, મુઝફફરનગર, બરેલી, દિલ્હી, પાનીપત અને રોહતક રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી આપવામાં આવી છે. જ્યારે 16મેએ અલ્હાબાદ, અયોધ્યા, ગાજિયાબાદ અને દિલ્હીના મુખ્ય ધાર્મિક સ્થળો અને બસ સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.

બે પાનાની આ ચિઠ્ઠીમાં લખાણ અને ભાષાને જોઈને સુરક્ષા એજન્સીઓ તેને કોઈની ટીખળ માની રહી છે આમ છતાં તેને બિલકુલ નજરઅંદાજ કયર્િ વિના સતર્કતા રાખી રહી છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ ઉત્તરપ્રદેશ સહિત દિલ્હી, હરિયાણા અને ઉત્તરાખંડ રાજ્યને એલર્ટ મોકલ્યું છે.
પત્ર લખનારાએ ખુદને જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર ગણાવ્યો છે અને લખ્યું છે કે ‘હે મારા મૌલાના, મને માફ કર. મારા જેહાદીની મોતનો બદલો જરુર લઈશ.’ આ પછી રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળ, મુખ્ય નેતાઓને અપાઈ રહેલી ધમકીનો ઉલ્લેખ છે. અંતમાં લખ્યું છે કે ‘આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ, એરિયા કમાન્ડર મૈસુર અહમદ-જમ્મુ કાશ્મીર, સિંઘ પાકિસ્તાન.’

Comments

comments