રાજકોટમાં મિનિ વાવાઝોડાની ઝડપે ધૂળની ડમરી ઉડાડતો પવન ફૂંકાયો: ગરમીમાં રાહત

April 15, 2019 at 4:43 pm


રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્ર–કચ્છ અને ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર્રના વાતાવરણમાં એકાએક જોરદાર પલટો આવ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્ર–કચ્છના અનેક વિસ્તારોમાં આજે સવારે મિનિ વાવાઝોડાની ઝડપે પવન ફંકાયો હતો. ધૂળની ડમરી ઉડાડતાં પવનના કારણે ઘર, વાહનો ધૂળ–ધૂળ થઈ ગયા હતા. રસ્તાઓ પર યાં જુઓ ત્યાં ડમરીના કારણે એકત્ર થયેલો કચરો જોવા મળ્યો હતો.

વાતાવરણમાં આવેલા જોરદાર પલટાના કારણે સવારથી જ આકાશમાં ભેજવાળા વાદળો છવાયા હતા અને ગરમીનો પારો જોરદાર રીતે નીચે આવી ગયો છે. કાળઝાળ ગરમીથી પરેશાન લોકોને આજે રાહત થવા પામી છે. આગામી ૨૪ કલાક દરમિયાન પવનની ગતિ વધશે અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર ગતિએ પવન ફંકાશે તેના કારણે માછીમારોને દરિયામાં ન જવા હવામાન ખાતાએ ચેતવણી આપી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ પવનની ગતિ વધીને ૪૦ કિલોમીટર આસપાસ પહોંચવાની શકયતા છે.

કચ્છ, ડાંગ, સાપુતારા, નર્મદા, સાંગબારા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયા હોવાના અહેવાલો છે. વરસાદને કારણે સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં કેરીના પાકને અને ગુજરાતમાં ચીકુના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.
રાજકોટની માફક સૌરાષ્ટ્ર્રના મોટાભાગના વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટાની અસર જોવા મળી હતી. બપોર બાદ અમુક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી પણ હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે.

વરસાદી માહોલ અને વાદળિયા વાતાવરણના કારણે મહત્તમ તાપમાનનો પારો મોટાભાગના સ્થળોએ ૪૦ ડિગ્રી નીચે સરકી ગયો છે. ગરમીમાં રાહત મળતાં લોકોએ હાશકારાની લાગણી અનુભવી છે પરંતુ બફારો વધી ગયો છે.
રાજકોટમાં ગઈકાલે મહત્તમ તાપમાનનો પારો ૪૦.૩ ડિગ્રી રહેવા પામ્યો હતો. આજે સવારે રાજકોટમાં ભેજનું પ્રમાણ ૫૭ ટકા અને લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રી રહેવા પામ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલે પણ વાદળિયું વાતાવરણ રહે અને છૂટાછવાયા ઝાપટાં પડે તેવી શકયતા છે.

Comments

comments