રાજકોટમાં હવે પાણીના પાઉચ પર પ્રતિબંધ મુકવા મનપાની તૈયારી

May 29, 2018 at 4:34 pm


સ્માર્ટ સિટી રાજકોટ શહેરમાં હવે પાણીના પાઉચ પર પ્રતિબંધ મુકવા માટે મહાપાલિકા દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્લાસ્ટિકના પાનપીસ અને પ્લાસ્ટિક ઝભલા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલી કર્યા બાદ હવે પ્લાસ્ટિકના પાઉચમાં વેચાતાં પાણી પર પ્રતિબંધ ફરમાવવા તંત્રએ તૈયારીઓ શ કરી હોવાનું જાણવા મળે છે. રાજકોટ શહેરમાં પાણીના પાઉચનું ઉત્પાદન કરતી અંદાજે 8 ફેક્ટરીઓ આવેલી છે અને શહેરમાં ઉનાળામાં દરરોજ 3 લાખ પાઉચ અને અન્ય સામાન્ય દિવસોમાં દરરોજ 2 લાખ પાણીના પાઉચનું વેચાણ થતું હોવાનો મહાપાલિકા તંત્રના અધિકારીઓનો પ્રાથમિક અંદાજ છે.

વધુમાં મહાપાલિકાના વિશ્ર્વસનીય સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, સ્માર્ટ સિટી રાજકોટમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે તે અંતર્ગત સૌથી વધુ કચરો પાણીના પાઉચનો થતો હોવાનું ધ્યાન પર આવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલતાં ખાનગી સર્વેના અંતે મહાપાલિકાના સ્ટાફના ગ્રાઉન્ડ લેવલના વર્તુળોએ ઉચ્ચ અધિકારીઓને એવો અભિપ્રાય આપ્યો હતો કે જો શહેરમાં પાણીના પાઉચ પર પ્રતિબંધ મુકવામાં આવે તો ગંદકીની સમસ્યા મહદ અંશે બંધ થઈ જાય તેમજ પ્લાસ્ટિકથી ફેલાતું પ્રદૂષણ પણ અટકી જાય. આ અભિપ્રાયને ધ્યાને લઈને હવે પ્લાસ્ટિકના વેચાતાં પાણી પર પ્રતિબંધ મુકવા તૈયારીઓ શ કરવામાં આવી છે. સંભવત: આગામી સપ્તાહ કે પખવાડિયા સુધીમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.

Comments

comments