રાજકોટ કાલથી અર્ધલશ્કરી દળોના હવાલે

April 20, 2019 at 4:25 pm


લોકસભાની ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં મંગળવારે યોજાનાર લોકસભાની ચૂંટણીના મતદાન પૂર્વે આવતીકાલથી રાજકોટ શહેર અર્ધલશ્કરી દળોના હવાલે કરવામાં આવશે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન સંપન્ન થાય તે માટે પોલીસે ખાસ સુરક્ષા–વ્યવસ્થા ગોઠવી દીધી છે.રાજકોટમાં ૨૩ એપ્રિલે લોકસભાની ચૂંટણી માટે ૨૦૫૦ મતદાન બૂથ ઉપર ૧૮.૮૩ લાખ મતદારો મતદાન કરશે. શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન યોજાય તે માટે અર્ધલશ્કરી દળોની ત્રણ કંપનીઓનું રાજકોટમાં આગમન થઈ ચૂકયું છે. એસઆરપી, સીઆઈએસએફ અને ઝારખડં આર્મ ફોર્સની કંપનીએ સુરક્ષાની વ્યવસ્થા સંભાળી લીધી છે અને કાલથી તમામ મતદાન મથકો ઉપર પોલીસને અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરી દેવામાં આવશે.

શહેરના સંવેદનશીલ અને ક્રિટિકલ મતદાન મથકોનો હવાલો અર્ધલશ્કરી દળો લઈ લેશે. ઉપરાંત રાજકોટ પોલીસે પણ બંદોબસ્ત ગોઠવ્યું છે જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીના માર્ગદર્શન હેઠળ ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી રવિમોહન સૈની સાથે ૯ એસીપી, ૨૦ પીઆઈ અને ૮૦ પીએસઆઈ સાથે હોમગાર્ડના ૧૪૦૦ જવાનોને ચૂંટણીના બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે.

મતદાનના દિવસે ૨૦૫૦ જેટલા મતદાન મથકો ઉપર ચાંપતો સલામતી પહેરો ગોઠવવામાં આવનાર છે. ખાસ કરીને ક્રિટિકલ મતદાન મથકો ઉપર ચૂંટણી તંત્રએ આપેલી સૂચના મુજબ સજડ સુરક્ષા–વ્યવસ્થા ગોઠવાશે. ચૂંટણી પૂર્વે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસને સાથે રાખી અર્ધલશ્કરી દળોની ફલેગમાર્ચ યોજવામાં આવી રહી છે. આજે ભકિતનગર પોલીસ અને તાલુકા પોલીસ તેમજ કુવાડવા પોલીસે ફલેગમાર્ચ યોજી હતી.

ચૂંટણીપચં દ્રારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ તેને લગતી કામગીરી ઝડપી બનાવવા આપેલા આદેશ બાદ પોલીસે મતદાનના દિવસ સુધી રાત્રી પેટ્રોલિંગ તેમજ ચેકિંગ વધારી દીધું છે. મંગળવારના રોજ ૨૩ એપ્રિલે યોજાનાર મતદાનના દિવસ સુધી સઘન બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે. પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણીપચં તરફથી બૂથ મુજબ ઈવીએમ રવાના કરવામાં આવશે અને ચૂંટણી બાદ આ ઈવીએમને સ્ટ્રોંગરૂમ ખાતે સુરક્ષા–વ્યવસ્થા સાથે સીલ કરી દેવામાં આવશે.

રાજકોટમાં મુકત અને ન્યાયી માહોલ વચ્ચે મતદારો સ્હેજ પણ ભય રાખ્યા વગર મતદાન કરી શકે તે માટે સુરક્ષા–વ્યવસ્થા ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે તેમજ સંવેદનશીલ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ પણ કરવામાં આવશે. મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ખાસ એકશન પ્લાન બનાવ્યો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ પોલીસ મથકના પીઆઈ સાથે મહત્વની બેઠક યોજાઈ હતી અને ચૂંટણીના દિવસે સુરક્ષા–વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી

Comments

comments