રાજકોટ જિલ્લા પંચાયતમાં કાલે કાેંગ્રેસના બે જૂથ વચ્ચે બળાબળના પારખાંઃ રાજકારણમાં ભારે ઉત્તેજના

August 30, 2018 at 10:59 am


રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા અને કારોબારી સમિતિની બેઠક આવતીકાલે સવારે મળનારી છે. ગત સામાન્ય સભામાં કાેંગ્રેસના બળવાખોર જૂથે 6 કમિટીઆે આંચકી લીધા બાદ હવે આ કમિટીઆેના પાવર્સ પાછા ખેંચી લેવાની દરખાસ્ત આવતીકાલની સામાન્ય સભામાં કાેંગ્રેસના એક જૂથ દ્વારા મુકવામાં આવી છે અને બળવાખોર જૂથ આ દરખાસ્ત કોઈ સંજોગોમાં પસાર ન થાય તે માટે એડીચોટીનું જોર લગાવી રહેલ હોવાથી રાજકારણમાં ભારે ઉત્તેજના ફેલાવા પામી છે.

ગત સામાન્ય સભામાં લઘુમતીમાં મુકાઈ ગયેલું અજુર્ન ખાટરિયા જૂથ આ વખતે બહુમતીમાં આવી ગયું હોય તેમ લાગે છે. ખાટરિયા જૂથના 21 સભ્યો અજ્ઞાત સ્થળે રવાના થયા છે અને આવતીકાલે સવારે જિલ્લા પંચાયતમાં સીધા હાજર થશે. જિલ્લા પંચાયતમાં કોઈપણ ઠરાવ પસાર કરાવવા કે નામંજૂર કરાવવા આેછામાં આેછા 19 સભ્યોની જરૂર પડે છે ત્યારે ખાટરિયા જૂથ પાસે 21 સભ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. સત્તા સાેંપણીનો ઠરાવ જો કાલની સામાન્ય સભામાં પસાર થશે તો ફરી એક વખત ખાટરિયા જૂથનું પ્રભુત્વ સ્થાપિત થશે.

કાલની સામાન્ય સભા રદ કરવી જોઈએ તેવી માગણી કાેંગ્રેસના બળવાખોર જૂથ દ્વારા વિકાસ કમિશનર સમક્ષ કરવામાં આવી છે. તો સામીબાજુ અજુર્ન ખાટરિયાએ વિકાસ કમિશનર સામે કેવિએટ દાખલ કરી છે અને હાઈકોર્ટમાં આ સંદર્ભે પિટિશન દાખલ કરી છે. આ ઉપરાંત ખાટરિયા જૂથે કારોબારી સમિતિનો સવારનો 10 વાગ્યાનો સમય બદલવા પણ માગણી કરી છે.

જિલ્લા પંચાયતમાં અઢી વર્ષની પ્રથમ ટર્મ સારી રીતે પસાર થયા બાદ બીજી અઢી વર્ષની ટર્મ શરૂ થતાની સાથે જ કાેંગ્રેસમાં આંતરિક વિવાદ અને વિખવાદ શરૂ થઈ ગયો છે. જો આમ જ બધું ચાલશે અને વિકાસ કામો અટકી પડશે તો રાજકોટ જિલ્લા પંચાયતમાં વહીવટદાર શાસનના ભણકારા વાગી રહ્યા છે. આવતીકાલ તા.31ના શું થાય છે તેના પર બધું નિર્ભર છે.

Comments

comments