રાજકોટ-સુરેન્દ્રનગર બ્રોડગેજ પ્રોજેકટ માટે જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિધ્ધ

May 7, 2018 at 1:19 pm


Spread the love

દાયકાઓથી માત્રને માત્ર ફાઈલમાં પુરાયેલ રહેલો રાજકોટ-સુરેન્દ્રનગર બ્રોડગેજ રેલવે પ્રોજેકટ આખરે સાકાર થવા તરફ આગળ વધી રહ્યો છે. પશ્ર્ચિમ રેલવેના મુંબઈ સાથેના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર દ્વારા ગુજરાત સરકારને આ સંદર્ભે જમીન સંપાદન માટે પત્ર પાઠવતા ગુજરાત સરકારના નાયબ સેક્રેટરી દિલીપ ઠાકરે આ અંગે સંબંધિત જિલ્લાના પ્રાંત અધિકારીઓને જમીન સંપાદનની કામગીરી તાત્કાલીક હાથ ધરવાની સૂચના આપી છે.
સ્પેશ્યલ રેલવે પ્રોજેકટ તરીકે આ જમીન સંપાદન કરવાની થાય છે અને તે પ્રોવિઝન ઓફ રેલવે (એમેન્ડમેન્ટ) એકટ 2008 અંતર્ગત સંપાદિત કરવાની રહેશે. આ માટે રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના પ્રાંત અધિકારીઓને જમીન સંપાદન અધિકારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે અને તેમણે આ જવાબદારી પોતાની મુળભૂત જવાબદારી ઉપરાંત વધારાની કામગીરી તરીકે કરવાની રહેશે.

રાજકોટ-સુરેન્દ્રનગર બ્રોડગેજ પ્રોજેકટમાં રાજકોટ જિલ્લાના ખોરાણા, જાળિયા, ગવરીદળ, રાજગઢ, હડમતીયા, બેડી અને રાજકોટ શહેરની જુદા જુદા સર્વેની જમીનો સંપાદન કરવાની થાય છે. ખોરાણા ગામની 14473, જાળિયાની 3172, ગવરીદળની 4300, રાજગઢની 7314, હડમતીયાની 6553, બેડીની 29090 અને રાજકોટ શહેરની 5469 મળી કુલ 70371 ચો.મી. જમીન રેલવેના આ પ્રોજેકટ માટે સંપાદન કરવાની થાય છે.
કલેકટર કચેરી સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેર અને જિલ્લાની જે જમીન રેલવેના રાજકોટ-સુરેન્દ્રનગર બ્રોડગેજ પ્રોજેકટ માટે સંપાદન કરવાની થાય છે તે તમામ જમીનો ખેતીની છે અને પ્રવર્તમાન ધોરણ મુજબ વળતર આપીને આ જમીન સંપાદન કરવામાં આવશે.
રાજકોટ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની જમીન સંપાદન કરવા માટે જે તે જિલ્લાના પ્રાંત અધિકારીઓને સંપાદન અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.