રાજનાથ વાસ્તવમાં નારાજ છે ?

June 10, 2019 at 9:36 am


મોદી સરકારના પહેલા પાંચ વર્ષ દરમિયાન ગૃહ મંત્રી તરીકે નંબર-2નું સ્થાન ભોગવનાર ભાજપના કદાવર નેતા રાજનાથસિંહને આ વખતે રક્ષામંત્રી બનાવીને તેમના સ્થાને અમિત શાહને ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે. સ્વભાવિક છે આ ફેરફાર રાજનાથસિંહને પસંદ નહી જ આવ્યો હોય અને તેને કારણે જ તેમણે પોતાની નારાજગી દેખાડી હતી. અધૂરામાં પુરું વડાપ્રધાને સરકારના સંચાલન માટે કેટલીક મહત્વની સમિતિઆેની રચના કરી તેમાં રાજનાથસિંહની અવગણના કરવામાં આવી હોવાનું દેખાઈ આવતું હતું.આ કારણોથી નારાજ રાજનાથસિંહે બે દિવસ પ્રધાનોને મળવાનું ટાળ્યું હતું.જો કે, આ પછી વડાપ્રધાને જુદી જુદી 6 કમિટીઆેમાં સ્થાન આપી નારાજગી દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો છે.
અર્થતંત્રમાં મંદીની સંભાવના અને બેરોજગારીની વધતી જતી સમસ્યા સામે લડવા માટે કેન્દ્ર સરકારે નવી સમિતિઆેનું ગઠન કર્યું છે. આર્થિક વિકાસ સાધવા અને રોકાણ તથા રોજગારી વધારવાના હેતુ સાથે રચાયેલી આ બંને સમિતિના વડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. રોકાણને વિકાસ માટે રચાયેલી પાંચ સભ્યોની સમિતિમાં વડાપ્રધાન ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહ, નાણાંપ્રધાન નિર્મલા સીતારમન, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી અને રેલવેપ્રધાન પીયૂષ ગોયલનો સમાવેશ થાય છે.
રોજગારી અને કૌશલ્ય વિકાસ માટેની બીજી સમિતિમાં દસ સભ્યોનો સમાવેશ છે. એમાં પણ વડાપ્રધાન, ગૃહપ્રધાન, નાણાપ્રધાન અને રેલવેપ્રધાન ઉપરાંત ખેતી-ખેડૂતને ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ, પેટ્રાેલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, કૌશલ્ય અને ઉદ્યાેગસાહસિક પ્રધાન મહેન્દ્રનાથ પાંડે સાથે બે રાજ્યપ્રધાનો પણ સામેલ છે.
આ બધી સમિતિઆે મહત્વના નિર્ણય લેવામાં ચાવીરુપ ભૂમિકા ભજવે છે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં તમામ કમિટીઆેમાં રાજનાથસિંહ સ્થાન ધરાવતા હતા પણ આ વખતે તેમની બાદબાકી થતા નારાજ થયા હતા તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે, આ અંગે રાજનાથસિંહે કોઈ નિવેદન કર્યું નથી પણ તેમનાં નજીકના સૂત્રોએ આ વાત જાહેર કરી હતી. મોદી સરકારે અમિત શાહને વધુ મહત્વ આપ્યું હોવાની વાતો વચ્ચે રાજનાથસિંહની નારાજગી મોદી સરકારને પાલવે તેમ નથી તે પણ એક વાસ્તવિકતા છે.

Comments

comments

VOTING POLL