રાજસ્થાન આજે જયપુરના માંકડિંગ પછીની હારનો બદલો મોહાલીમાં લેશે?

April 16, 2019 at 10:51 am


નરમગરમ દેખાવ ધરાવતી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં આઈ. એસ. બિન્દ્રા સ્ટેડિયમ ખાતે નવા જુસ્સા સાથેની રાજસ્થાન રોયલ્સ સામે રમાનારી મેચમાં પોતાની બોલિંગની સમસ્યાને ઉકેલી ફરી સફળતાના માર્ગે ફરવાનો મક્કમ પ્રયાસ કરવો પડશે.
25મી માર્ચે જયપુરમાં પંજાબના સુકાની રવિચન્દ્રન અશ્ર્વિને માંકડિંગની પદ્ધતિથી રાજસ્થાનના જોસ બટલરને રનઆઉટ કરીને અભૂતપૂર્વ વિવાદ સરજ્યો હતો. આજે એ જ બે ટીમ હવે મોહાલીમાં સામસામે છે. માંકડિંગ પદ્ધતિમાં એવું થયું હતું કે અશ્ર્વિન બોલ ફેંકે એ પહેલાં જ બટલર નોન-સ્ટ્રાઇક એન્ડ પરની ક્રીઝની બહાર નીકળી જતાં અશ્ર્વિને તેને રનઆઉટ કરી દીધો હતો. અશ્ર્વિનના નેતૃત્વમાં કિંગ્સ ઈલેવન તેની છેલ્લી બે મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તથા રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ઉપરાઉપરી બે પરાજય બાદ સ્પધર્નિા પોઈન્ટ-કોષ્ટકમાં પાંચમા ક્રમે નીચે સરકી પડી છે. એકંદરે આયોજક ટીમે તેની આઠ મેચમાંથી ચાર વિજય પ્રાપ્ત કયર્િ છે.

કિંગ્સ ઈલેવનની ટીમનું બોલિંગ આક્રમણ ફક્ત થોડા તબક્કામાં સારું રહ્યું છે અને મુંબઈ ઈન્ડિયન્સ સામે 197 રનના જુમલામાં તેના બોલર નિષ્ફળ રહ્યા હતા, કે જેમાં કિરોન પોલાર્ડના 31 બોલમાં 83 રનના ભવ્ય દાવે તેના હાથમાંથી મેચ છીનવી લીધી હતી. રોયલ ચેલેન્જર્સ સામેની છેલ્લી મેચમાં કિંગ્સ ઈલેવનની બોલિંગ ફરી નિષ્ફળ ગઈ હતી કે જેમાં હરીફ ટીમે 173 રનનું વિજયનું લક્ષ્ય છેલ્લા ચાર બોલ બાકી રહેતા પસાર કયુર્ં હતું.
મોહંમદ શમી, એન્ડ્રુ ચીઈ અને ઓલ-રાઉન્ડર સેમ કરને ઘણા રન ખર્ચી નાખ્યા હતા અને ટોચના બેટ્સમેનોને કાબૂમાં રાખવાની આવડત ધરાવતા પોતાના સુકાની અશ્ર્વિનને ટેકો આપવા માટે તેઓએ વધુ ચોકસાઈભરી બોલિંગ કરવી જોઈએ. રોયલ્સની ટીમે તેની છેલ્લી મેચમાં આયોજક મુંબઈ ઈન્ડિયન્સ સામે ચાર વિકેટથી વિજય હાંસલ કર્યો હતો અને પોતાની સાત મેચમાંથી બે સફળતા સાથે તે હાલ સાતમા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે વિજય માટે 188 રન કરવાના લક્ષ્યાંક સામે જોસ બટલરે 43 બોલમાં 89 રન ફટકારી રોયલ્સની ટીમના વિજયમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને અજિંક્ય રહાણેનો 37 તથા સંજુ સેમસનનો પણ 31 રનનો ફાળો હતો.

રોયલ્સની ટીમનો અન્ય એકમાત્ર વિજય રોયલ ચેલેન્જર્સ સામે પ્રાપ્ત થયો હતો કે જેમાં ફરી બટલરે 159 રનના લક્ષ્યાંકમાં અણનમ 59 રન ફટકારી મુખ્ય ભૂમિકા ભજવી હતી. રોયલ્સની ટીમ પાસે બટલર છે તો કિંગ્સ ઈલેવનની ટીમમાં ક્રિસ ગેઈલનો સમાવેશ રહે છે જેણે રોયલ ચેલેન્જર્સ સામેની અગાઉની મેચમાં અણનમ 99 રન વીંઝી કાઢી પોતાની ટીમને એકલે હાથે 173 રનના વિજયના આંકે પહોંચાડી હતી. કિંગ્સ ઈલેવનનો અન્ય ઓપ્નર કે. એલ. રાહુલ પણ સારા ફોર્મમાં રમી રહ્યો છે પણ, મુંબઈ ઈન્ડિયન્સે 197 રનનું વિજયનું લક્ષ્ય સાત વિકેટના ભોગે પસાર કરતા તેણે 64 બોલમાં કરેલા અણનમ 100 રન વ્યર્થ ગયા હતા.

કિંગ્સ ઈલેવનની ટીમમાં મયંક અગરવાલ, ડેવિડ મિલર, સેમ કરન અને મંદીપસિંહ જેવા બેટ્સમેનો પણ છે અને તેઓ પાસેથી સારા દેખાવની આશા રખાય છે. રોયલ્સની ટીમ વતી બટલર સૌથી ધરખમ બેટ્સમેન રહ્યો છે અને તેના બેટિંગ ક્રમમાં રહાણે, સેમસન તથા સ્ટીવ સ્મિથ પણ છે જેઓ તરફથી પણ મોટા સ્કોરની આશા કરાય છે. રોયલ્સની ટીમના ઝડપી ગોલંદાજ જોફરા આર્ચરે તેના ફાસ્ટ બાઉન્સર અને ભયાનક યોર્કર બોલથી બેટધરોને મુશ્કેલીમાં મૂક્યા છે અને વધુ સફળતા મેળવવા તત્પર હશે. મેચની શરૂઆત: રાતે 8 વાગ્યે.

Comments

comments