રાજ્યના અનાથ, વિધવા, દિવ્યાંગો અને શહીદોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે પાંચ લાખની સહાય

February 3, 2018 at 12:07 pm


ગુજરાતમાં હોશિયાર વિદ્યાર્થીઓએ નબળી આર્થિક સ્થિતિના કારણે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહેવું પડે તે માટે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જરૂરિયાતમંદ અનાથ બાળકો, વિધવા માતાના સંતાનો, દિવ્યાંગો અને સેના-પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. દરવર્ષે આ પ્રકારના ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને આ લાભ આપવામાં આવશે તેવી સ્પષ્ટતા આજે યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા એજ્યુકેશન ફેરના ઉદ્દઘાટન સમારંભમાં કરાઈ હતી. સરકાર દ્વારા આયોજિત ત્રણ દિવસના ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનો શુક્રવારથી શરૂ થયો છે.

નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (કેસીજી), ગુજરાત યુનિવર્સિટી અને રાજય સરકારના સંયુક્ત ઉપક્રમે સતત બીજી વખત એજ્યુકેશન ફેરનુ આયોજન કરવામાં આવ્યું છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ ફેરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. સમારંભમાં ઉપસ્થિત વિદ્યાર્થી-વાલીઓ અને શિક્ષક-અધ્યાપકોને ઉદ્દેશીને તેઓએ કહ્યું કે ધો.૧૦ અને ૧૨માં વિદ્યાર્થી આવે ત્યારથી જ કારર્કિદી વિશે ગંભીરતાથી વિચારતો થઇ જાય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સરકાર દ્વારા જ આ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓમાં સ્કીલ-વીલ -ઝિલ ત્રણેય પડેલા છે તેને યોગ્ય દિશા આપીને મંઝિલ સુધી પહોંચાડવાનું કામ આ પ્રકારના ફેર યોજીને સરકાર કરી રહી છે. તેઓએ કહ્યું કે શિક્ષણની એક મર્યાદા હોય છે પરંતુ શીખવાની કોઇ મર્યાદા હોતી નથી. હાલમાં સરકાર મેડિકલ, ઇજનેરી, પેરા મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસક્રમમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓની ૫૦ ટકા ફી સ્વાવલંબન યોજના અંતર્ગત આપવામાં આવે છે. સરકારે આ માટે ૮૦૦ કરોડ રૂપિયાની સહાય પુરી પાડી છે. આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે શિક્ષણ એ લાંબી અને ધીમી પ્રક્રિયા છે. ગુજરાતમાં શિક્ષણમાં સતત સાતત્યપૂર્ણ વિકાસ માટે પ્રયત્નો કર્યા છે જેના કારણેગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી દેશમાં પ્રથમ સ્થાન મેળવી શકી છે. શિક્ષણમાં શ્રેષ્ઠતાં હાંસલ કરવા માટે તેઓએ યુનિવર્સિટી વચ્ચે સ્પર્ધા કરવાનું આહ્વાન પણ કર્યુ હતુ.

વેદથી લઇને વેબ સુધી અમે ભણીશુ છેક સુધી, ભણી-ગણીને એક બનીશુ-અમે હંમેશા નેક બનીશું આ પ્રકારે સંકલ્પબધ્ધ થવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. આ ફેરમાં ૮૪ હજાર વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. કુલ ૪૪ યુનિવર્સિટીઓ, ૫૫ સ્ટોલ, ઉચ્ચ અને ટેકનિકલની ૫૮ કોલેજોના ૬૪ સ્ટોલ, પ્રાઇવેટ ફોરેન કન્સલ્ટન્ટના ૧૧, ફોરેન કાઉન્સિલના ૨, બેંકના ૪ અને અન્ય સંસ્થાઓના ૧૭ સ્ટોલ લગાવવામાં આવ્યા છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગેના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય નેટ-સ્લેટમાં એવોર્ડ વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. એજ્યુકેશન ફેરમાં રાજયકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, જુદી જુદી યુનિવર્સિટીઓના કુલપતિ, ઉચ્ચ શિક્ષણ અધિકારીઓ, કોલેજના આચાર્યો અને પ્રોફેસરો સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ફેરમાં કેટલાક સ્ટોલ ‘લગાવવા’ ખાતર લગાવ્યા !

સરકાર દ્વારા ત્રણ દિવસ માટે ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. દરેક સરકારી યુનિવર્સિટીઓને ફરજિયાત સ્ટોલ લગાવવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ પણ સ્ટોલ લગાવ્યા હતા. કુલ ૧૬૧ સ્ટોલ પૈકી કેટલાક સ્ટોલ એવા હતા કે માત્ર જગ્યા પુરવા માટે લગાવ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. પ્રાઇવેટ કોલેજો ઉપરાંત એડમિશન કમિટી, ટેકનિકલ શિક્ષણ વિભાગના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા. ‘પોતાની પણ કોલેજ ચાલે છે’ તેવું દર્શાવવા માટે કેટલાક સ્ટોલ લગાવી દેવાયા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ ફેર ધો.૧૦ અને ૧૨ પછી કયા કોર્સમાં પ્રવેશ લેવો તેના માટે છે પરંતુ રાજકોટ, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રમાંથી કોલેજોના વિદ્યાર્થીઓને પણ હાજર રખાયા હતા.

Comments

comments

VOTING POLL