રાજ્યસભા ઉપસભાપતિના ઉમેદવારને લઇ એનડીએમાં વિવાદઃ અકાલીદળ-શિવસેના નારાજ

August 7, 2018 at 10:34 am


Spread the love

રાજ્યસભા ઉપસભાપતિ માટે જદ(યુ)ના રાજ્યસભા સાંસદ હરિવંશ નારાયણ સિંહ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએના) ઉમેદવાર હશે. પરંતુ આ ઉમેદવારીને લઇ અંદરો અંદર ફૂટ પડી છે. અકાલી દળ તેના વિરોધમાં આવી ગઇ છે. જ્યારે શિવસેના સલાહ નહી લેવાતા નારાજ છે. આ પદ માટે 9 આૅગસ્ટના રોજ મતદાન થશે. જ્યાં વિપક્ષમાં એનડીએના ઉમેદવારને માત આપવા માટે સંયુકત ઉમેદવારને લઇ ચર્ચા ચાલી રહી છે.

હરિવંશને રાજ્યસભા ઉપસભાપતિ પદનો ઉમેદવાર બનાવાના મુદ્દા પર નીતીશ કુમારે કહ્યું કે આ મુદ્દા પર ચર્ચા થઇ ચૂકી છે. વિચાર-વિમર્શ બાદ જ હરિવંશ સિંહને રાજ્યસભા ઉપસભાપતિ પદના ઉમેદવાર બનાવાનો નિર્ણય લીધો છે.

જો કે એનડીએની તરફથી ઉમેદવારનું નામ સામે આવ્યા બાદ ગઠબંધનમાં ફાટ પડતી દેખાય રહી છે. હરિવંશની ઉમેદવારીના વિરોધમાં અકાલી દળ સામે આવ્યું છે. અકાલી દળને આશા હતી કે રાજ્યસભામાં એનડીએના ઉપસભાપતિની ઉમેદવારી તેમની જ પાર્ટીની હશે, પરંતુ એવું થયું નહી.

અકાલી દળની તરફથી નરેશ ગુજરાલના નામની ચર્ચા હતી, પરંતુ અંતિમ સમય પર બીજેપીએ જેડીયુના સાંસદ હરિવંશને ઉમેદવાર બનાવાની જાહેરાત કરી દીધી તેના લીધે અકાલી દળમાં નારાજગી ફેલાય ગઇ.

અકાલી દળની સંસદીય દળની બેઠક કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલના ઘરે થઇ જેમાં પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે બેઠકની અધ્યક્ષતા કરી. સૂત્રોનું માનીએ તો અકાલી દળ 9 આૅગસ્ટના રોજ રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં ગેરહાજર રહી શકે છે. સુખબીર બાદલે મંગળવાર સવારે ફરી એકવખત પોતાની પાર્ટીના સંસદીય દળની બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાર્ટી આ સંબંધમાં મોટો નિર્ણય લઇ શકે છે.

અકાલી દળની સાથોસાથ શિવસેના પણ નારાજ છે. સૂત્રોનું માનીએ તો શિવસેના એ વાતથી નારાજ છે કે ઉમેદવારની જાહેરાત કરવાથી ના તો આપણાથી અને ના તો અકાલી દળ સાથે ઉમેદવારને લઇ કોઇ ચર્ચા થઇ નથી. સૂત્રોનું માનીએ તો શિવસેના એ વાતથી પણ નારાજ છે કે પહેલાં જ્યારે અકાલી દળના સાંસદ નરેશ ગુજરાલનું નામ એનડીએના ઉમેદવાર તરીકે નક્કી કરાયું હતું તો અંતિમ સમયમાં જેડીયુ સાંસદ હરિવંશના નામની જાહેરાત કેમ કરાઇ છે.

રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી વિરોધપક્ષો માટે ફરી એક વાર લિટમસ ટેસ્ટ પુરવાર થશે. તેમની એકતા કેવો રંગ લાવે છે તે જાણી શકાશે. કાેંગ્રેસ અને વિરોધપક્ષો વચ્ચે ઉપસભાપતિપદ માટે કોઈ સંયુક્ત ઉમેદવારની પસંદગી હજી સુધી થઈ નથી પણ સંયુક્ત રીતે એનસીપીના સાંસદ વંદના ચવાણને તક આપવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ ટીએમસીના સાંસદને આ તક આપવામાં આવે તેવી ચર્ચા ચાલી હતી પણ ટીએમસીએ સ્પર્ધામાંથી ખસી જતાં હવે એનસીપીના કોઈ સાંસદ પર કળશ ઢોળાશે તેવી હવા છે.