‘રાવણ દહન’ એટલે મનમાં રહેલા વિકારોનું દહન

October 9, 2019 at 9:19 am


માધાપર ખાતે લેવા પટેલ યુવક સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાની ભવ્યતીભવ્ય ઉજવણીનાં ભાગરૂપે ‘રાવણ દહન’નો રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં રામ તથા રાવણ સેનાએ નગર પરિભ્રમણ કર્યું હતું, અને ત્યાથી સીધા શાળાનાં મેદાન પર આવીને પુતળા રૂપી રાવણનું દહન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને માણવા માટે બહોળી સંખ્યામાં રહેવાસીઓ ઉમટી પડ્યાં હતાં.
આ તકે વધુ માહિતી આપતાં લેવા પટેલ જ્ઞાતિનાં અગ્રણી જયંતભાઇ માધાપરિયાએ જણાવ્યું હતું કે, રાવણ દહનનો કાર્યક્રમ ઉજવવા પાછળનો મુખ્ય ઉદેષ્ય એટલો જ છેકે, લોકો પોતાનામાં રહેલા મદ, અહંકાર, ઇર્ષા સહિતની રાવણ સમાન દસ ભાવનાનો ત્યાગ કરીને નિર્મળ જીવન જીવવાની દિશામાં આગળ વધે. ભગવાન રામ કે જે મર્યાદા પૂરૂષોત્તમ કહેવાય છે, તેમના માંથી એકાદ ગુણનો અંશ પણ આપણા માનવ જીવનમાં પ્રગટે તો આપણું જીવન ખરા અર્થમાં દિપી ઉઠશે. જ્યા સુધી આપણે આપણામાં રહેલા અહંકારને નાથવામાં સફળ નહીં થઇએ ત્યા સુધી ખરા અર્થમાં રાવણ દહન નહીં કરી શકાય. આજ આષય સાથે છેલ્લા ૧૭ વર્ષથી માધાપર ખાતે રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવે છે.
એટલું જ નહીં રાવણ દહનનાં કાર્યક્રમથી સમાજને અનોખી શીખ મળે તે માટે લેવા પટેલ યુવક સંઘ દ્વારા દર વર્ષે કાર્યક્રમ યોજવામાં આવે છે, અને તેને ધારી એવી સફળતાં પણ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને રાવણ દહન પૂર્વે રામ સેના તથા વાનર સેના દ્વારા નગરનું ભ્રમણ કરવામાં આવે છે, જેના પગલે પગલે તમામ ગ્રામજનો આગળ વધતાં વધતાં શાળાનાં ગ્રાઉન્ડ સુધી પહોંચે છે અને અહીં મેદાનમાં રાખવામાં આવેલ વિશાળ રાવણનાં પુતળાનું દહન કરવામાં આવતું હોવાનું અંતમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે, પરંપરાગત દશેરાનાં દિવસે રાવણ દહન કરી લોકોને મહત્વની શીખ આપવામાં આવતી હોય છે, કે લોકો સારા માણસ બની સમાજને પણ સારો બનાવે. કારણકે, સૈથી મહત્વની બાબત પોતાનામાં રહેલા દુષણોને બાળવા તે જ છે, અને આવા કાર્યક્રમો થકી લોકોમાં બદલાવ પણ આવતો હોય છે.

Comments

comments