રાષ્ટ્ર્રવાદ અને દેશ સુરક્ષા ચૂંટણીના મુખ્ય મુદ્દા, મોદી શ્રે પસંદ: વિજય રૂપાણી

April 20, 2019 at 4:52 pm


એકાએક રાજકોટની મૂલાકાતે આવી પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકસભાની આ વખતની ચૂંટણીમાં રાષ્ટ્ર્રવાદ અને દેશની સુરક્ષાના મહત્વના મુદ્દાઓ છે. ઉરી અને પુલવામામાં પાકિસ્તાને કરેલા આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ અપાયો છે અને ભવિષ્યમાં ભારતનું વલણ અને વર્તન આવું જ રહેશે તેવો બોધપાઠ મળી જતાં પાકિસ્તાન પર ધાક બેસી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં જ આ દેશ સલામત છે અને તે દેશને સુરક્ષા પુરી પાડી શકે છે.
પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, મોદી ઈમાનદાર, ભ્રષ્ટ્રાચારમુકત, હિંમતવાળા, દેશપ્રેમી, પરિશ્રમી અને દુરંદેશી છે. સામી બાજુ કોંગ્રેસના નવજોત સિંધુ, મણીશંકર અય્યર, શ્યામ પિત્રોડા જેવા નેતાઓ પાકિસ્તાનની ભાષા બોલે છે અને કોંગ્રેસ તેના ચૂંટણી ઢંઢેરામાં લશ્કરી અધિકારીઓ સામે લોકો ફરિયાદ કરી શકે તેવી વાતો અને કલમ ૩૭૦ની નાબૂદી સામેનો વિરોધ દર્શાવે છે અને ત્રાસવાદીઓને ઉત્તેજન આપતા હોય તેવું સ્પષ્ટ્ર જણાઈ રહ્યું છે. મનમોહનસિંહના ૧૦ વર્ષના શાસનમાં અનેક ત્રાસવાદી હુમલા થયા અને મુંબઈમાં સૌથી મોટો હુમલો થયો છતાં કોંગ્રેસે કોઈ વળતા પ્રહાર કર્યા નથી. વોટબેન્કની લાલચમાં ત્રાસવાદીઓની હિંમત વધે છે અને સૈન્યનું મનોબળ તૂટે છે તેવા જ કાર્યેા કર્યા છે.

મોદીના પાંચ વર્ષના શાસનમાં કાશ્મીર સિવાય દેશમાં કોઈ સ્થળે બોમ્બ બ્લાસ્ટ થયાં નથી. જરીપૂરાણા થયેલા ૧૫,૦૦૦થી વધુ કાયદાઓ નાબૂદ કર્યા છે તેમ પણ રૂપાણીએ જણાવ્યું હતું.
ગરીબોને રૂા.૭૨,૦૦૦ આપવાની રાહુલ ગાંધીની યોજના માત્ર ચૂંટણી વચન હોવાનું જણાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં આયુષ્યમાન યોજના, આવાસ યોજનાં ઉજવલા યોજના, કિસાન સન્માન નિધિ યોજના, ટેકાના ભાવે ખેડૂતોના માલની ખરીદી જેવા અનેક પગલાંઓ લઈને સમાજના ગરીબ અને નબળા વર્ગના લોકો અને ખેડૂતોને ફાયદો કરાવ્યો છે. બિનઅનામત વર્ગને ૧૦ ટકા અનામત આપી નકકર કામગીરી કરી છે.

પાંચ વર્ષમાં મોદીએ ગુજરાતને એઈમ્સ, રેલવે યુનિવર્સિટી, ઈન્ટરનેશનલ એરપોર્ટ, બૂલેટ ટ્રેન જેવી અનેક ભેટ આપી છે અને જો બીજા પાંચ વર્ષ મળશે તો ગુજરાતની શકલ ફરી જશે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં મુખ્યમંત્રીઓને જો વડાપ્રધાનને મળવું હોય તો અઠવાડિયું નિકળી જતું હતું યારે ત્રણ વર્ષના મારા શાસનનો અનુભવ કહે છે કે, ગુજરાતના કામ માટે રૂબરૂ ધકકા ખાવા પડતા નથી અને માત્ર ફોન પર વાત પતી જાય છે.

જો દેશમાં સ્થિર શાસન હશે તો જ વિકાસ શકય છે તેમ જણાવતાં રૂપાણીએ કહ્યું હતું કે, મહાગઠબંધનમાં વડાપ્રધાનપદના એકાદડઝન દાવેદારો છે. યારે ભાજપમાં નરેન્દ્ર મોદીનું નામ ફાઈનલ છે. પત્રકારો સાથેની વાતચીત વખતે ધનસુખભાઈ ભંડેરી, ગોવિંદભાઈ પટેલ, કમલેશભાઈ મિરાણી, રાજુભાઈ ધ્રુવ, બીનાબેન આચાર્ય, અરવિંદભાઈ રૈયાણી, ભીખાભાઇ વસોયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં

૨૦૧૪માં મોદીનું વાવાઝોડું હતું, આ વખતે સુનામી છે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકસભાની તમામ ૨૬ બેઠકો ભાજપ જીતશે એટલું જ નહીં સમગ્ર દેશમાં ૨૦૧૪ની સરખામણીએ બેઠકોની સંખ્યા વધશે કારણ કે, ગત ચૂંટણીમાં મોદીનું વાવાઝોડું હતું અને આ વખતે સુનામી છે.

વિજયભાઈનો નવો રેકર્ડ: ૭૫ સભા સંબોધી
લોકસભાની આ ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૭૫ સભા સંબોધવાનો નવો રેકર્ડ પ્રસ્થાપિત કર્યેા છે અને હજુ ચૂંટણી આડે દોઢ દિવસ બાકી છે અને સભા સંબોધવાનો સિલસિલો ચાલુ છે.

૧૫ લાખ આપવાનો ભાજપે કદી વાયદો કર્યેા જ નથી
૧૫ લાખ આપવાની વાત કદી ભાજપે કરી નથી અને તેના ચૂંટણી ઢંઢેરામાં પણ કોઈ ઉલ્લેખ નથી તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો વિદેશમાં પડેલું ભારતનું કાળું ધન પાછું લાવવામાં આવે તો દેશના દરેક નાગરિકને ૧૫–૧૫ લાખ મળી શકે તેવી વાત અમારા રાષ્ટ્ર્રીય પ્રમુખ અમિત શાહે લોકોને સરળ ભાષામાં સમજાય તે માટે દાખલો આપીને કહી હતી.

સાધ્વીપ્રજ્ઞાનું નિવેદન તેના વ્યકિતગત વિચારો: મુખ્યમંત્રી
મેં શ્રાપ આપ્યો હતો અને તેથી મુંબઈના જાબાજ પોલીસ ઓફિસર કરકરેનું ૧૫ દિવસમાં મૃત્યુ થયું હતું તેવા સાધ્વીપ્રજ્ઞાના નિવેદન બાબતે પત્રકારોના સવાલના જવાબમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, અમને શહિદ કરકરે ઉપર માન છે અને સાધ્વીપ્રજ્ઞાનું આ નિવેદન તેમનું વ્યકિતગત છે.

 

 

Comments

comments