રાહુલ ગાંધી તો કોંગીની પણ ‘ચોકીદારી’ કરી શકતા નથી !!

May 27, 2019 at 9:47 am


૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જે કરૂણ અને આઘાતજનક અવદશા અને દૂર્દશા થઈ છે તે પણ ઈતિહાસના પાનામાં અમર રહેશે સાથોસાથ એક બિનઅનુભવી અને વ્યૂહરચના વગરના નેતા તરીકે રાહુલ ગાંધીની નોંધ પણ રહેશે. નરેન્દ્ર મોદી સામે ટકકર લેવા માટે કોંગ્રેસે રાહુલને જવાબદારી સોંપી પરંતુ રાહુલ કોઈપણ એન્ગલથી નરેન્દ્ર મોદીની સામે ટકી શકે તેવી પ્રતિભા કયારેય હતા નહીં અને આગામી ૨૫ વર્ષ સુધી તેઓ કદાચ આવા શકિતમાન થાય એવું દેખાતું નથી. કોંગ્રેસની ભયંકર હારની જવાબદારી ફકત અને ફકત રાહુલ ગાંધીની છે. નૈતિકતાના ધોરણે એમણે મનામણા કરાવવાની દાનત રાખ્યા વગર રાજીનામું ધરી જ દેવું જોઈએ અને બિનગાંધી નેતાને કોંગ્રેસનું પ્રમુખપદ સોંપી દેવું જોઈએ પરંતુ ગાંધી પરિવાર આ કામ કયારેય કરશે નહીં તેની આખા દેશને ગળા સુધીની ખાતરી છે.
૨૦૧૪માં પણ કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો અને તેને ફકત ૪૪ બેઠકો મળી હતી. ૨૦૧૯માં તેને બાવન બેઠકો મળી છે એટલે કે પાંચ વર્ષમાં કોંગ્રેસના સુકાની ફકત આઠ બેઠકો વધારી શકયા છે. આ ખરેખર હાસીયાસ્પદ ચિત્ર છે અને રાહુલ ગાંધીને કોંગ્રેસ જેવી મોટી પાર્ટીના પ્રમુખપદે ધરાર ચીટકી રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી.
કોંગ્રેસ પાર્ટી વારંવાર એવો દાખલો આપે છે કે દેશ માટે ઈન્દિરા ગાંધીએ બલિદાન આપ્યું અને ત્યારબાદ રાજીવ ગાંધીએ પણ પ્રાણની આહતિ આપી છે તો પછી અહીં એવો પ્રશ્ન કરવાનું મન થાય છે કે, આ બધા ટોચના નેતાઓ દેશ માટે બલિદાન આપી ગયા છે તો શું ગાંધી પરિવારનો સભ્ય એક ખૂરશી છોડી શકે એમ નથી ? એક પોસ્ટનો ત્યાગ કરી શકે એમ નથી ?
થોડા સમય પહેલાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત મળી ગઈ તો તેનાથી કોંગ્રેસમાં એક નવો જૂસ્સો દેખાયો હતો પરંતુ બે–ત્રણ રાયમાં ચૂંટણી જીતવાથી જે તે પાર્ટીના નેતા સશકત કે લોકપ્રિય બની જતા નથી. તો પછી આ ત્રણ રાયમાં જે જીત થઈ છે તેની પાછળ કોંગ્રેસ કે રાહુલ ગાંધીનો કોઈ ચમત્કાર ન હતો બલ્કે ત્યાંના લોકલ બીજા કારણો હતા. ૨૦૧૯માં પણ કોંગ્રેસની એવી કરૂણ દશા થઈ છે કે સંસદમાં તેને વિપક્ષનું નેતાપદ પણ મળી શકે એમ નથી. ૨૦૧૪માં પણ આવી જ સમસ્યામાં આ પાર્ટી સપડાઈ હતી.
કોંગ્રેસ કારોબારીની બેઠકમાં રાહુલ ગાંધી રાજીનામાની ઓફર કરે અને સીડબલ્યુસીના તમામ નેતાઓ તેનો અસ્વીકાર કરે આ બધું એક ગોઠવાયેલા નાટક જેવું લાગે છે. વાસ્તવમાં ગાંધી ખાનદાના કોંગ્રેસનું પ્રમુખપદ બિનગાંધીને આપવા માગતું જ નથી અને તેની કરૂણ અવદશા પાછળનું આ પણ એક સૌથી મોટું કારણ માનવામાં આવે છે. કોંગ્રેસનું પ્રમુખપદ ફકત ગાંધી પરિવારનો સભ્ય જ ભોગવી શકે એવું શા માટે ? આ પાર્ટી છે કોઈ લિમિટેડ કંપની નથી. ગાંધી પરિવારે દેશની જનતાનો મૂડ પારખીને રાહુલ ગાંધીને સન્માનભેર વિદાય આપવી જોઈએ અને એમના સ્થાને કોઈ જૂના–અનુભવી નેતાને બેસાડવા જોઈએ. જો કે, નરેન્દ્ર મોદીની સામે ટકકર લઈ શકે એવા કોઈ નેતા હાલ કોંગ્રેસમાં દેખાતા નથી પરંતુ રાહુલ ગાંધી કરતાં તો એ લોકો સારું જ પરફોર્મન્સ આપશે તેવી પુરેપુરી ખાતરી છે. જો આમ થશે તો દેશમાં કોંગ્રેસના કાર્યકરોની સંખ્યા પણ વધશે જે અત્યારે તદ્દન ઓછી રહી છે. કોંગ્રેસમાં એક વાત ખુબ જાણીતી છે કે તેમાં બધાને નેતા જ થવું છે અને કાર્યકર કોઈને થવું નથી.
કોંગ્રેસ કારોબારીની બેઠકમાં રાહુલ ગાંધીના નામે ફકત નાટક જ ભજવવામાં આવ્યું છે એમાં કોઈ શંકા નથી. સતત બે લોકસભાની ચૂંટણીઓમાં ભયંકર પછડાટ ખાધા બાદ પણ જો રાહુલ ગાંધી પ્રમુખપદે ચીટકી રહેવા માગતા હોય તો પછી આ પાર્ટીનું કોઈ ભવિષ્ય સારું દેખાતું નથી. રાહુલે ‘ચોકીદાર ચોર હૈ’ના નારા લગાવીને પોતાની સાહસિક અને બોલ્ડ ઈમેજનો પરિચય આપવાનો પ્રયાસ કર્યેા હતો પરંતુ આ બાજી ઉંધી પડી ગઈ છે. બાલાકોટ ઓપરેશન પ્રત્યે કોંગ્રેસનો જો સંવેદનશીલ પ્રતિભાવ રહ્યો હોત અને કોઈ સવાલ ઉભા કર્યા ન હોત તો કદાચ પબ્લિકમાં એમની ઈમેજ સુધરી જાત પરંતુ આ વ્યૂહાત્મક ભૂલ પાર્ટી કરી ગઈ છે. નરેન્દ્ર મોદીની ઈમેજ પબ્લિકમાં હંમેશા મજબૂત જ રહી છે અને આગળ પણ રહેવાની છે તો પછી એમની સામે કોઈ મજબૂત નેતા જ કોંગ્રેસે ગોતવાના રહેશે. જો આમ નહીં થાય તો આગામી કોઈ ચૂંટણીમાં કોંગ્રેસનો ગજ વાગવાનો નથી.
જો રાહુલને જ પાર્ટીએ મોદીની સામે મુખ્ય સ્પર્ધક તરીકે ઉતાર્યા હતા તો પછી એમને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે શા માટે જાહેર ન કર્યા ? આ પ્રકારનો સવાલ પણ અત્યારે પૂછાઈ રહ્યો છે. આવી ઘણી બધી ભૂલો આ પાર્ટીએ કરી છે અને હવે તો આખા દેશમાં તેની અસર બિલકુલ ડાઉન થઈ ગયેલી દેખાય છે. એકમાત્ર કેરળ અને તામિલનાડુમાં તેને શ્ર્વાસ લેવા જેવી સફળતા મળી છે બાકી ‘માધવ કયાંય નથી મધૂવનમાં’ તેવો તાલ સર્જાયો છે.
આગામી આઠ માસમાં પાંચ રાયોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તેમાં પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી જોર કરશે અને જે રાયોમાં કોંગ્રેસની સરકારો છે ત્યાં પણ તેઓ પોતાની સરકાર રચવાનો પ્રયાસ કરશે. હજુ પણ કોંગ્રેસની સામે પડકારો ઘણા છે, હજુ લાંબી લડાઈ લડવાની બાકી છે અને આવી સ્થિતિમાં રાહુલ ગાંધી બિલકુલ અનફીટ નેતા દેખાઈ રહ્યા છે

Comments

comments