‘રૂડા’ દ્વારા આવાસ યોજનાના લાભાર્થી માટે રવિવારે લોનમેળો

February 14, 2019 at 3:50 pm


રાજકોટ અર્બન ડેવલપમેન્ટ આેથોરિટી (રૂડા) કચેરી દ્વારા આગામી તા.17ને રવિવારે કચેરીના સંકુલમાં સવારે 10થી સાંજે 4 સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઆે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બેન્કોમાંથી લોન કઈ રીતે મેળવવાની રહે, કોને મળી શકે, કેટલી વ્યાજસહાય મળે તે સહિતની બાબતોનું માર્ગદર્શન લોનમેળા અંતર્ગત આપવામાં આવશે.

વધુમાં ‘રૂડા’ના વહીવટી અધિકારી અજુર્ન ચાવડાએ જણાવ્યું હતું કે, દરેક ભારતીયોના ‘ઘરના ઘર’ના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ઘર લેવા માટે વિવિધ ઘટક અંતર્ગત આવાસ અંગે સહાય આપવામાં આવે છે જે અંતર્ગત લાભાર્થીઆેને પોતાની પસંદગીનું ઘર લેવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે ક્રેડિટ લીન્ક સબસીડી સ્કીમ ઘટકમાં 2.67 લાખ સુધીની વ્યાજ સહાય આપવામાં આવે છે જેમાં 22.50 લાખ સુધીની આવક ધરાવતાં લાભાર્થીઆેને લીધેલી લોનના વ્યાજમાંથી 6.50 ટકાથી માંડી 2.50 ટકા સુધીની વ્યાજ સહાયની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત વ્યાજ સહાય આવકની વિવિધ મર્યાદાઆેને ધ્યાને લઈને આપવામાં આવે છે.

તેમણે ઉમેર્યું હતું કે, ઉપરોક્ત વ્યાજ સહાય લેતી સમયે ઘણી વિગતો પ્રાથમિક ધોરણે ધ્યાનમાં રાખવી જરૂરી છે જેવી કે ઈડબલ્યુએસ તથા એલઆઈજી પ્રકારની કેટેગરીમાં પુરુષ અરજદારની સાથે મહિલા અરજદારનું નામ, દસ્તાવેજમાં મહિલા અરજદારનો ઉલ્લેખ, લોન મંજૂર થયા પહેલાં યોજનાનો લાભ લેવાનો છે તે અંગેની જાગૃતિ અને આ અંગે બેન્કને જણાવવું જેથી લોન મંજૂરીની સાથે જ સહાય અંગે અરજી થઈ શકે તથા ઘણા પૂરાવા અંગેની બાબતો ધ્યાને રાખવાની રહે છે. જો મકાન લેતાં સમયે જ આ અંગે જાગૃતિ હોય તો સહાય મેળવવામાં થતાં વિલંબને ઘટાડી શકાય છે અથવા સામાન્ય ભૂલને કારણે મળવાપાત્ર સહાય નામંજૂર થતાં અટકાવી શકાય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકોમાં યોજના અંગે જાગૃતતા વધે તથા દરેક લોકોને યોજના અંગે વિગતવાર માર્ગદર્શન મળે તો આ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તેમજ પ્રધાનમંત્રીના દરેક ભારતીયોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થઈ શકે. તો આ બાબતે ધ્યાનમાં લઈ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ક્રેડિટ લીન્ક સબસીડી સ્કીમની માહિતી આપતાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આથી આ માર્ગદર્શન મેળામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહત્તમ લાભ લેવા માટે અપીલ કરવામાં આવે છે.

Comments

comments

VOTING POLL