રોનાલ્ડોના ચેમ્પિયન્સ લીગમાં રિયલ મેડ્રિડ તરફથી ૧૦૧ ગોલ

February 16, 2018 at 12:42 pm


ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ડબલ ગોલની મદદથી ગત ચેમ્પિયન રિયલ મેડ્રિડે ચેમ્પિયન્સ લીગ પ્રિ-ક્વાર્ટર ફાઇનલના ફર્સ્ટ લેગમાં પેરિસ સેન્ટ જર્મેઇન (પીએસજી)ને ૩-૧થી પરાજય આપ્યો હતો. આ મેચમાં રોનાલ્ડોએ બે ગોલ કરવાની સાથે ચેમ્પિયન્સ લીગમાં એક ક્લબ તરફથી ગોલની સદી પૂર્ણ કરી હતી અને તે એક જ ક્લબ તરફથી ૧૦૦ કે તેથી વધુ ગોલ કરનાર પ્રથમ ફૂટબોલર બની ગયો છે. રોનાલ્ડોએ ચેમ્પિયન્સ લીગની છેલ્લી ૧૨ મેચમાં ૨૧ ગોલ કર્યા છે અને આ સિઝનમાં ૧૧ ગોલ કર્યા છે. તે લિયોનેલ મેસ્સી કરતાં ચાર ગોલ આગળ થઈ ગયો છે. આ ઉપરાંત રોનાલ્ડોએ ચેમ્પિયન્સ લીગની છેલ્લી છ સિઝનમાં સતત ૧૦ કે તેથી વધુ ગોલ કર્યા છે. રોનાલ્ડોએ રિયલ મેડ્રિડ પહેલાં માન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી ૧૫ ગોલ કર્યા હતા જેને કારણે ચેમ્પિયન્સ લીગમાં તેના કુલ ગોલની સંખ્યા ૧૧૬ થઈ છે.

પેરિસ સેન્ટ જર્મેઇનના સ્ટાર ફૂટબોલર નેયમારની મદદથી એ ડ્રિયન રેબિયોટ્સે મેચની ૩૩મી મિનિટે ગોલ કરી ટીમને ૧-૦ની સરસાઈ અપાવી હતી પરંતુ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેની ૧૨ મિનિટ બાદ ગોલ કરી રિયલ મેડ્રિડને ૧-૧ની બરાબરી પર લાવી દીધી હતી. બીજા હાફમાં મેચ અંતિમ મિનિટો તરફ આગળ વધી રહી હતી ત્યારે ૮૩મી મિનિટે રોનાલ્ડોએ પેનલ્ટી દ્વારા ગોલ કરી ટીમને ૨-૧ની લીડ અપાવી હતી. તેની ત્રણ મિનિટ બાદ માર્સેલોએ ગોલ કરી મેડ્રિડને ૩-૧થી વિજય અપાવ્યો હતો.

Comments

comments

VOTING POLL