લગ્નમાં પહેરો અલગ અલગ પ્રકારની ફેશન જ્વેલરી

February 14, 2018 at 4:03 pm


નારીની સૌથી મોટી નબળાઈ એટલે આભૂષણ. શાળામાં અભ્યાસ કરતી છોકરી હોય, કુંવારી કે પરિણીત યુવતી હોય, પ્રૌઢા હોય કે વૃદ્ધા, કોઈ પણ વયમાં આભૂષણનું આકર્ષણ યથાવત્ રહે છે. આજની તારીખમાં સોનાની કિંમત જે રીતે વધી રહી છે તે જોઈને કોઈ પણ માતા પોતાની શાળા કે કોલેજમાં ભણતી પુત્રીને રોજેરોજ સોનાના ઘરેણાં પહેરવા ન આપે તે સ્વાભાવિક છે. બીજી તરફ ટીવી સિરિયલોમાં અભિનેત્રીઓને પહેરાવવામાં આવતી રંગબેરંગી જ્વેલરી જોઈને છોકરીઓ અને યુવતીઓને પણ માત્ર સોનાના દાગીના કરતાં આવા કલરફુલ ઘરેણાં પહેરવાનું ગમે છે.

છેલ્લા થોડા વર્ષોથી જ્વેલરીનો બદલાયેલો ટ્રેન્ડ સર્વત્ર દ્રષ્ટિગોચર થાય છે. ઝવેરી બજારના શોરૃમથી લઈને સંખ્યાબંધ અન્ય શોરૃમ, ટ્રેન કે ફૂટપાથના સ્ટોલ પર પણ ઇમિટેશન જ્વેલરી મળી રહે છે. તેથી જ આવા દાગીનાને સ્ટ્રીટ ફેશન જ્વેલરી નામ આપી દેવામાં આવ્યું છે. આવી જ્વેલરીમાં સ્પ્રિંગ, પેન, સેફટીપીન કે સિક્કા જેવી ડિઝાઈનનું ચલણ પુરબહારમાં ખીલ્યું છે. આવા ઘરેણાં ઓક્સિડાઈસ, પીતળ, તાંબા, મોતી, રંગીન દોરા, લેસ, રંગીન પત્થર જેવા મટિરિયલમાંથી તૈયાર કરવામાં આવે છે.

છેલ્લા થોડા સમયથી મેટલ પર વિવિધ રંગના પથ્થર અને મોતી જડેલા પેન્ડન્ટ અને બુટ્ટીએ યુવતીઓને મોટા પ્રમાણમાં આકર્ષી છે. તેમાંય ખાસ કરીને પરંપરાગત ભારતીય ડિઝાઈન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે. રંગીન પેન્ડન્ટ સાથે લાલ, લીલા, ગુલાબી અને ફિરોજી જેવા પારદર્શક મોતીની માળા અને માળાના પાછળના ભાગમાં એવા જ રંગની દોરી.

આવી માળા પહેરવામાં સરળ, સસ્તી અને આકર્ષક દેખાય છે. વળી તે સાડી, સલવાર-કમીઝ અને વેસ્ટર્ન આઉટફીટ સાથે પણ પહેરી શકાય છે. આ ઉપરાંત ચપટા, ત્રિકોણ, લંબગોળ, ગોળ, ચોરસ જેવા વિવિધ આકારના મોતીની સંખ્યાબંધ રંગોમાં મળતી માળા પણ ખૂબ સુંદર લાગે છે. આ પ્રકારની માળા જિન્સ અને ટી-શર્ટ સાથે વધારે મેળ ખાય છે.

માળા સિવાય અસંખ્ય જાતના કાનના લટકણીયા, પાયલ, બ્રેસલેટ, બાજુબંધ અને વીંટી જેવી દરેક પ્રકારની ફેશન જ્વેલરી યુવતીઓના ઘરેણાં પહેરવાના શોખને પોષે છે. મુંબઈ, દિલ્હી અને કોલકત્તા જેવા મહાનગરોમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આવી જ્વેલરીની માગ મોટા પ્રમાણમાં વધી ગઈ છે. માત્ર ત્યાં રહેતી માનુનીઓ જ આવી ફેશન જ્વેલરી પહેરે છે એવું નથી. વેપારીઓ પણ તેમની ડિઝાઈનની આપ-લે અને ખરીદ-વેચાણ કરીને મહિલા ગ્રાહકોને નિતનવી ડિઝાઈન આપવાનો પ્રયત્ન કરે છે. બીજા શહેરમાં રહેતા સંબંધીઓ પણ એકબીજા પાસેથી ફેશન જ્વેલરી મગાવવાનું નથી ચૂકતા. તેવી જ રીતે શ્રીમંત કે ઉચ્ચ મધ્યમ વર્ગની યુવતીઓ પણ ફેશન જ્વેલરી પહેરવામાં સંકોચ નથી અનુભવતી. ફેશન તો આખરે ફેશન જ છે. તેને વર્ગભેદ સાથે શી લેવાદેવા.

Comments

comments

VOTING POLL