લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ચાર લાખથી વધુ મતદારોએ કોઈને પણ મત નહીં આપવા નોટાનો ઉપયોગ કર્યો

May 25, 2019 at 11:04 am


લોકસભાની ચૂંટણીના 23 મેના રોજ જાહેર થયેલા પરિણામમાં ચાર લાખથી વધુ મતદારોએ કોઈને પણ મત નહિ આપવા માટે નોટા નું બટન દબાવી ભારે કૌતુક સર્જ્યો છે. જેમાં સહુથી વધુ અચરજ પમાડે તેમ નોટાનો ઉપયોગ અતિ શિક્ષિત મત વિસ્તારોમાંથી નહીં પરંતુ અશિક્ષિત લોકો ની વધુ સંખ્યા ધરાવતા આદિવાસી મતક્ષેત્ર છોટાઉદેપુર, દાહોદ, બારડોલી અને પંચમહાલ બેઠકમાં સૌથી વધુ થયો હોવાનું બહાર આવ્યું છે. નોટાનો ઉપયોગ કરનાર મતદારોની ટકાવારી કુલ મતદાનના 1.38 ટકા જેટલી થાય છે. લોકસભાના આ પરિણામમાં સૌથી ચોંકાવનારી વિગતો એવી પણ છે કે ગુજરાતમાં 17 બેઠકો પર બહુજન સમાજ પાર્ટી ભાજપ અને કોંગ્રેસ બાદ સૌથી વધુ મતો મળ્યા છે અને ત્યાં જ નોટાનો ઉપયોગ પણ વધુ માત્રામાં થયો છે. જો કે વર્ષ 2014 ની લોકસભાની ચૂંટણીમાં એકંદરે 4.49 લાખ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો જે કુલ મતદાન ના 1.74 ટકા હતા.

ગુજરાત વિધાનસભાની વર્ષ 2017 ની ચૂંટણીમાં તો 5.51 લાખ મતદારોએ કોઈને પણ મત નહીં આપવા નોટાનું બટન દબાવ્યું હતું જે કુલ મતદાનના 1.84 ટકા નોંધાયું હતું. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં લગભગ 30 બેઠકો પર જીતની માર્જિન નોટામાં મત પડ્યા તેનાથી પણ ઓછી હોવાથી પરિણામ નુ ચિત્ર બદલવામાં નોટાના મતોએ વધુ મહત્વનો ભાગ ભજવ્યો હતો તેવું બહાર આવ્યું હતું.
ચૂંટણીપંચના સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ લોકસભાની ચૂંટણી દરમિયાન છોટાઉદેપુરમાં 32868 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો જે આ બેઠક પર થયેલા કુલ મતદાનના 2.67 ટકા જેટલો ઉચ્ચ સ્કોર ધરાવે છે. તેવી જ રીતે દાહોદ ની બેઠક માટે 31936 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો જે આ બેઠકમાં કુલ મતદાનના ત્રણ ટકા જેટલા થાય છે. બારડોલીમાં 22914 અને પંચમહાલમાં 20133 તથા વલસાડમાં 19307 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો.

જ્યારે શહેરી વિસ્તાર માં અમદાવાદ પશ્ચિમમાં 14719 મતદારોએ તથા અમદાવાદ પૂર્વમાં 9008, રાજકોટમાં 18318, વડોદરામાં 16,999 તથા સુરતમાં 10532 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો.

Comments

comments