લોકસભાની ચૂંટણી માટે જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ

April 18, 2019 at 10:35 am


આગામી ૨૩ એપ્રિલનાં રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જીલ્લા કલેકટર રેમ્યા મોહન, પ્રાંત અધિકારી, મામલતદાર વગેરેનાં માર્ગદર્શન હેઠળ વહિવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ થવાની સાથે ચૂંટણી માટે સમગ્ર તંત્ર સુસજ્જ થઇ ચૂકયું છે. તો ઝોનલ ઓફીસર, પ્રિસાઈડીંગ ઓફિસર, મતદાન અધિકારી વગેરેને તાલીમબધ્ધ કરાયા છે.
જીલ્લાનાં લોકસભા હેઠળના ૬ વિધાનસભા મથકોએ સ્ટ્રોંગરૂમ તૈયાર કરાયા છે, જ્યાં કન્ટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ તથા વીવીપેટની નિષ્ણાતો દ્વારા પૂરતી ચકાસણી કરી અધિકારીઓ તથા ઉમેદવારના પ્રતિનિધિઓની ઉપસ્થિતમાં મતદાન મથકવાઇઝ ગોઠવણી કરવામાં આવી છે. આ સાથે રેન્ડમલી ૫ % યુનિટોમાં મોકપોલ પણ કરવામાં આવ્યું છે.
મતદાનના દિવસે યાંત્રિક સાધનોમાં કોઇ ખોટીપો ન સર્જાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે અને જરૂર પડ્યે વધારાની સાધન સામગ્રી પણ પૂરતા પ્રમાણમાં રિઝર્વ રખાઇ છે. ઝોનલવાઇઝ રૂટ ગોઠવાઈ ગયેેલ છે. ત્યારે આગામી તા.૨૩ મેનાં રોજ ભુજની એન્જિનિયરીંગ કોલેજ ખાતે જ મતગણતરી કરવામાં આવનાર હોય ત્યારે મતદાન બાદ તમામ ઇવીએમને સ્ટ્રોગ રૂમમાં ગોઠવામાં આવનાર હોય તેને લઇને પણ અત્યારે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે, જેને લઇને કલેકટર રેમ્યા મોહને પણ સ્થળની રૂબરૂ મુલાકાત લઇ સમગ્ર કાર્યવાહીનું જાત નિરીક્ષણ કર્યું હતું.

Comments

comments