વન્ય વિસ્તારની ગેરકાયદે વસાહતો દૂર કરો

February 21, 2019 at 11:21 am


Spread the love

સુપ્રીમ કોર્ટે તત્કાળ જંગલ વિસ્તારમાં થયેલી ગેરકાયદે વસાહતો અને દબાણો દુર કરાવી જંગલ વિસ્તાર ખાલી કરાવવાનો રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે. દેશના કુલ 16 રાજ્યોમાંથી આ દબાણો દૂર કરાવવા માટે સુપ્રીમે 27 જુલાઈ સુધીની ડેડલાઈન આપી દીધી છે. ફોરેસ્ટ રાઈટ એકટની કાયદેસરતા અંગે પ્રશ્નો કરતી અનેક અરજીઆે વાઈલ્ડ લાઈફ ગ્રુપ તરફથી કરવામાં આવી હતી અને તે બારામાં સુપ્રીમે આદેશ જારી કર્યો છે.
જંગલ વિસ્તારોમાં પરંપરાગત અધિકારોના જે આદિવાસી સહિતના લોકોના દાવા રદ થયા છે એમની પાસેથી જંગલ વિસ્તારની જમીન ખાલી કરાવવામાં રાજ્ય સરકારોઆ આળસ દાખવી છે. આ વાતમાં રાજ્ય સરકારોએ સુપ્રીમમાં કોઈ જવાબ પર રજૂ કર્યો નથી અને ડિફેન્સ માટે કોઈ હીલચાલ જ કરી નથી. આ પહેલાં કોર્ટે વન્ય વિસ્તારો પરથી વસાહતી દબાણો દૂર કરવાનો જે આદેશ કર્યો હતો તેનો અમલ થયો નથી અને વિલંબનું કારણ સુપ્રીમને જણાવાયું નથી. 16 જેટલા રાજ્યોએ આદિવાસી સહિતની અનેક જાતિઆેના દાવા રદ થયા બાદ પણ કાયદા મુજબ વન્ય વિસ્તારને બચાવવાની કોઈ દરકાર કરી નથી.
વન્ય વિસ્તારમાં દબાણ કરીને રહેવા અંગે જે લોકોના દાવા રદ થયા ચે તેમની સામે શું પગલાં લેવાયા તેનો રિપોર્ટ પણ સુપ્રીમે માગ્યો છે. બળજબરીપૂર્વક વન્ય વિસ્તારો પરના રહેણાંક દબાણો દૂર કરાવવા માટે સુપ્રીમે રાજ્ય સરકારોને 27મી જુલાઈ સુધીનો સમય આપ્યો છે. જો 27મી જુલાઈ સુધીમાં આ કામ 16 રાજ્યો નહી કરે તો સુપ્રીમ વધુ કડક આદેશ બહાર પાડશે.