વરસાદથી પાકને નુકસાન થતાં ખેડૂતો દ્વારા પેકેજની ઉગ્ર માંગ

April 17, 2019 at 7:20 pm


અમદાવાદ શહેર સહિત રાજયભરમાં છેલ્લા બે દિવસથી બદલાયેલા હવામાન અને પ્રચંડ વાવાઝોડા સાથે ત્રાટકેલા કમોસમી વરસાદને લઇ રાજયના વિવિધ જિલ્લાઓમાં ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ખેડૂતોના પાકને ગંભીર નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડાના કારણે ખેડૂતોના કેરી, ઘઉં, એરંડો, તલ, જીરૂ, તરબૂચ, ટેટી સહિતના પાકને બહુ મોટું નુકસાન થયું છે. એટલું જ નહી, માર્કેટયાર્ડમાં રાખેલા અનાજ પણ પલળી જવાના કારણે ગંભીર નુકસાન પહોંચ્યુ છે ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે. આ સંજાગોમાં ખેડૂતઆલમ તરફથી રાજય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાક નુકસાનીની કટોકટીભરી Âસ્થતિને લઇ રાહતપેકેજ જાહેર કરવા માંગ કરી છે,
તો વિપક્ષ કોંગ્રેસે પણ ખેડૂતોના સમર્થનમાં ઉતરી રાજય સરકાર સમક્ષ ખેડૂતો માટે તાત્કાલિક રાહત પેકેજ અને નુકસાનીનું વળતર જાહેર કરવા માંગણી કરી છે. છેલ્લા બે દિવસથી રાજયમાં હવામાનમાં આવેલા પલ્ટા અને પ્રંચડ વાવાઝોડા સાથે વરસેલા વરસાદને લઇ એકબાજુ ઉનાળાની ગરમીમાં કંઇક અંશે લોકોને ઠંડકનો અનુભવ થયો હતો પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોનો કિંમતી પાક ધોઇ નાંખતા અને પાકની મોટાપાયે નુકસાની થતાં રાજયનો ખેડૂતઆલમ ચિંતામાં ગરકાવ બન્યો છે. ગીરની ખુશબુદાર કેસર કેરીનો સ્વાદ કેરીના શોખીનો માટે તૈયાર થવા લાગ્યો છે પરંતુ મોસમે છેલ્લા બે દિવસમાં બદલેલા મિજાજના કારણે કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેરીના સારા પાકની આશા પર પાણી ફરી વળતાં સ્વાદરસિયાઓને પણ કેરી આ વર્ષે મોંઘી પડશે.
બે દિવસના વાતાવરણના પલટાના કારણે આંબા પરથી કેરીના ગોરવા મોટી સંખ્યામાં ખરી પડયા છે. ગીરના ખેડૂત અગ્રણી નટુભાઈ પટેલના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિ જોતાં ખાતર ,દવા અને મજૂરીનો ખર્ચ માટે પડશે. કેરીનો પાક માંડ ૩૦ ટકા જેટલો બચ્યો હોઈને કેરીનું બજાર મોંઘુ રહેશે. તલાલા પંથકના ખેડૂતોએ વાતાવરણના કારણે વધુ નુકસાન ન જાય તે માટે આગોતરો પાક ઉતારવાનું શરૂ કરી દીધું છે. તલાલા માર્કેટિંગ યાર્ડને ખૂલવાને હજુ વાર હોવા છતાં ખેડૂતો આંબા પરથી કેસર કેરી ઉતારીને દસ કિલોના બોક્સ ભરવા લાગ્યા છે. અમદાવાદના બજારોમાં ખેડૂતો દ્વારા સીધી કેરીની આવકનું વેચાણ શરૂ થઈ ગયું છે. જો કે ગીર કેસરના ભાવ બમણા છે. ક્વોલિટી મુજબ એક બોક્સ રૂ ૮૦૦થી ૧૫૦૦ના ભાવે વેચાણ થઈ રહ્યું છે. હાલમાં પાકેલી કેસર રૂ ૧૭૦થી ૨૦૦ના ભાવથી વેચાણ થઈ રહી છે. ચાલુ વર્ષે કેરીનો પાક પ્રતિકૂળ વાતાવરણથી નુકસાનીના કારણે ઊંચો રહેશે. બીજી તરફ અન્ય કેરી હાફૂસ અને લંગડો કેરી હજુ સ્વાદ શોખીનોને રાહ જોવડાવશે. અત્યારે અમદાવાદના બજારમાં ૨૦ ટનથી વધુ દેશી કેરીની આવક થઈ રહી છે. કેસર કેરીની મામૂલી આવક સાથે બદામ કેરીની આવક પણ હાલમામ મધ્યમ છે. આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણના કારણે દેશી કેરીનું ઉત્પાદન પણ ઘટ્યું છે. એક સપ્તાહ પછી કેરીની આવક વધશે. જૂનાગઢથી ૬૫ કિલોમીટરનાં અંતરે તલાલા ગીર કેસર કેરીની રાજધાની છે. તલાલા તાલુકાના ૪૯ ગામોની ૨૯૮૦૦ હેકટર ખેતી લાયક જમીન પૈકી અંદાજીત ૧૬૯૦૦ હેકટર જમીનમાં આંબાવાડીઓ ઊભી છે. વાતાવરણની ખાસ અસરના કારણે કેરીના પાકનું ઓછું ઉત્પાદન થયું છે. ઠંડીના કારણે આંબાના કૂમળા ફ્‌લ બળી જતાં પાક ઓછો થયો હોવાનું બહાર આવ્યું હતું. તેમાં ફરી માવઠું અને વરસાદ થતાં કેરીના ભાવ પણ ડબલ ચૂકવવા પડે તેવી Âસ્થતિ બની છે.

Comments

comments