‘વાયુ’ રિટર્નસ: વાવાઝોડું કચ્છમાં ત્રાટકવાનો ભય

June 15, 2019 at 10:21 am


Spread the love

સાઈક્લોન વાયુનો ખતરો ગુજરાત માથેથી ટળી ગયો હોવાનું બધાને લાગી રહ્યું છે ત્યારે જ એક માઠા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલયના એક ઉચ્ચાધિકારીના જણાવ્યા અનુસાર વાયુ સાઈક્લોને તેની ધરી બદલી છે અને હવે તે ઊંધુ ફરી રહ્યું છે. આ બદલાયેલી સ્થિતિને જોતાં તે 16 જૂનના રોજ ઊંધુ ફરીને 17 તથા 18 જૂનની વચ્ચે ગમેત્યારે ગુજરાતના કચ્છ પર ત્રાટકી શકે છે. જો કે, આ વખતે તેની તીવ્રતા પહેલાં જેટલી નહીં હોય.

કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને પીટીઆઈને જણાવ્યું હતું કે, વાયુ સાઈક્લોનનો ખતરો હજી ટળ્યો નથી. તેની તીવ્રતા ચોક્કસપણે ઘટી રહી છે. પરંતુ તે ડીપ ડીપ્રેશન અથવા તો સાઈક્લોનિક સ્ટોર્મ તરીકે ગુજરાતના સમુદ્રકાંઠે ત્રાટકે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાત સરકારને આ સાઈક્લોનિક સ્ટોર્મના પાછા ફરવા વિશે સાબદી કરી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર પણ તમામ સંભવિત પગલાં લઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, સાઈક્લોન વાયુ ગત ગુરુવારે ગુજરાતના સમુદ્રકાંઠે ત્રાટકવાનું હતું. અલબત્ત, બુધવારે રાત્રે મધદરિયે તેની ધરી બદલાતાં ગુરુવાર સુધીમાં તો તે ઓમાન તરફ ફંટાઈ ગયું હતું. તે ગુજરાતના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદર પાસે થઈને પસાર થઈ ગયું હતું અને દરિયા તરફ આગળ વધ્યું હતું.

પશ્ચિમ દિશામાં જઈ રહેલું વાવાઝોડું – વાયુ આગામી 48 કલાક પછી વળાંક લઈને કચ્છ તરફ આવે અને ઓછી તીવ્રતા સાથે તા. 17 કે 18 જૂને કચ્છ જિલ્લાને સ્પર્શે એવી સંભાવના છે.

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડું વળાંક લે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે અને તારીખ 17 કે 18 જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સ્ટોર્મ તરીકે, ઘટેલી તીવ્રતા સાથે કચ્છને સ્પર્શે એવી સંભાવના જણાઈ રહી છે.
હવામાન વિભાગના પૂર્ણ સંકલન સાથે રાજ્ય સરકાર તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. સાવચેતીના પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે. શ્રી પંકજકુમારે નાગરિકોને કોઈ પણ જાતનો ભય મનમાં નહીં આણવાની અપીલ કરતાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહી છે, અને સમગ્ર પરિસ્થિતિ રાજ્ય સરકારના નિયંત્રણમાં છે.