વિધાનસભાના અધ્યક્ષપદે ભાજપ દ્વારા રાજેન્દ્ર ત્રિવેદીનું નામ લગભગ નિશ્ચિત

February 6, 2018 at 11:27 am


ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ પદે વડોદરા રાવપુરાના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ત્રિવેદીનું નામ લગભગ નક્કી મનાય છે. ગત સરકારમાં તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા હતા. આ વખતે ગત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા ચૂંટણીમાં પરાજિત થતાં, આ વખતની વિધાનસભામાં કોને અધ્યક્ષ બનાવવા તે પ્રશ્ન ઊભો થયો હતો પરંતુ વ્યવસાયે એડવોકેટ અને તમામને માન્ય હોય તેવા સરળ ધારાસભ્ય મનાતા રાજેન્દ્રભાઈ ત્રિવેદીને જ વિધાનસભાનું અધ્યક્ષ પદ અપાશે, તે નવી સરકાર અસ્તિત્વમાં આવી ત્યારથી જ નક્કી મનાતું હતું. જોકે, તેની સત્તાવાર ઘોષણા હજુ થઈ નથી. ૧૯મીએ વિધાનસભાનું બજેટ સત્ર મળે તે પહેલાં અધ્યક્ષની ચૂંટણી માટેનું ફોર્મ ભરાશે ત્યારે ભાજપ તરફથી વિધાનસભાના અધ્યક્ષ પદ માટે રાજેન્દ્રભાઈ ત્રિવેદી ફોર્મ ભરશે એમ જાણવા મળ્યું છે.

ગત સરકારમાં રાજેન્દ્રભાઈ ત્રિવેદી, રાજ્યકક્ષાના મંત્રી હોવાછતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં નવી સરકાર અસ્તિત્વમાં આવી ત્યારે નવા મંત્રીમંડળમાં તેમને કે વડોદરાના એકપણ ધારાસભ્યને સામેલ કર્યા ન હતા. તે વખતે ક્ષણિક ગણગણાટ પણ થયો હતો પરંતુ મુખ્યમંત્રીના નિક્ટતમ સૂત્રોના સંકેત એવા હતા કે, આ વખતે વડોદરાના રાવપુરના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને જ આ પદ સોંપાશે. સામાન્ય રીતે વિધાનસભાના અધ્યક્ષ પદે શાસક પક્ષના સિનિયર અને સર્વ માન્ય હોય તેવા ધારાસભ્યને મૂકાતા હોય છે. આ વખતે રમણલાલ વોરા ચૂંટણી હારી ગયા છે એટલે આ વખતે રાજેન્દ્રભાઈ ત્રિવેદીને આ પદ સોંપાશે તે લગભગ નિશ્ચિત છે.

Comments

comments