વૈષ્ણોદેવી યાત્રા પર આતંકી ખતરો: ચૂંટણી દરમિયાન થઇ શકે છે હુમલો

April 18, 2019 at 11:28 am


વૈષ્ણોદેવીની યાત્રા પર આતંકી હુમલાનો ડર બધાને સતાવી રહ્યો છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી તપાસ અભિયાન જારી છે, પરંતુ અધિકારીઓ જણાવે છે કે શકમંદો હજી સુધી નથી મળ્યા જેઓ યાત્રા માર્ગમાં જોવા મળ્યા હતા. યાત્રા માર્ગ પર હાઇ એલર્ટ રાખવામાં આવ્યું છે કારણ કે એમની સૂચનાઓને હળવાશથી લઇ શકાય તેમ નથી જેમાં કહેવામાં આવ્યું છે કે આતંકીઓ ચૂંટણી દરમિયાન હુમલો કરવાના ઇરાદા પર મક્કમ છે. વૈષ્ણોદેવી યાત્રાના પ્રમુખ પડાવ સાંઝી છતની આસપાસના જંગલમાં શકમંદો હોવાની સૂચના પર સોમવારથી ફરીથી વ્યાપક તપાસ અને શોધખોળ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. સાંજના સમયે ભૈરોં ઘાટ અને યાત્રાના પ્રાચીન માર્ગને ભક્તો માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે નવા માર્ગ પરથી સામાન્ય રીતે યાત્રા ચાલુ રહી હતી. ભવનમાં દર્શન પર પણ કોઇ પ્રભાવ જોવા નહોતો મળ્યો. સર્ચ ઑપરેશન મંગળવારે પણ જારી રહ્યું હતું.
સૂત્રોના અનુસાર સુરક્ષા એજન્સીઓને સાંઝી છત ટાવર માધ્યમથી બેથી ત્રણ સંદિગ્ધોની હાજરીની સૂચના મળી હતી. જોકે આ સંદિગ્ધો ક્યાં છે તે અંગે એમાં કોઇ જાણકારી આપવામાં નહોતી આવી. મામલાની ગંભીરતાને જોઇને સુરક્ષા એજન્સીઓએ સાંઝી છતની આસપાસના વિસ્તારમાં તપાસ અભિયાન તેજ કરી દીધું હતું. મોટી સંખ્યામાં અધિકારી હેલિકોપ્ટરથી સાંઝી છત પહોંચ્યા હતા. અધિકારીઓએ ભૈરોં ઘાટ માર્ગ અને પ્રાચીન માર્ગ પર ભક્તોની અવરજવર રોકવાનો ફેંસલો કર્યો. જોકે હજી સુધી પોલીસ પ્રશાસન અથવા શ્રાઇન બોર્ડ પ્રશાસન તરફથી કોઇ બયાન આપવામાં નથી આવ્યું.
યાત્રા માર્ગ પર આગળ વધવા પહેલાં યાત્રીઓને કડક તપાસમાંથી પસાર થવું પડે છે. એવામાં સંદિગ્ધ વસ્તુ લઇ જવાનું શક્ય નથી. આખા યાત્રા માર્ગ પર શ્રદ્ધાળુઓને તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. સુરક્ષા દળોની સાથે જ શ્રાઇન બોર્ડના કાર્યકતર્ઓિની પણ નજર હોય છે. નવરાત્રી શરૂ થવાના બે દિવસ પહેલાં પણ ધર્મનગરીની આસપાસ સંદિગ્ધોની હાજરીની સૂચના પર એજન્સીઓએ વ્યાપક તપાસ અભિયાન ચલાવ્યું હતું. ધર્મનગરી અને તેની આસપાસના ક્ષેત્રમાં ત્રણ દિવસ સુધી સર્ચ ઑપરેશન ચાલ્યું હતું. જોકે એમાં કશું નહોતું મળ્યું.

Comments

comments