વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ: લોક દરબારમાં ૨૪૦ અરજદારો આવ્યા

May 25, 2019 at 4:55 pm


રાજકોટ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી વ્યાજખોરો બેફામ બન્યા છે અને અનેક લોકોને આપઘાત કરવાની પણ ફરજ પાડી છે અને અનેક લોકોની માલ મિલકત ઝુંટવી લઈ પરિવારને રસ્તે રઝળતા કર્યાના બનાવો ભુતકાળમાં બની ચુકયા છે. રાજકોટમાં વ્યાજખોરીના દૂષણને ડામવા શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કમર કસી છે ત્યારે આજે જયુબેલી બાગના મણીયાર હોલમાં લોક દરબાર યોજી વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને ન્યાય અપાવવા તાકીદ કરવામાં આવી છે.

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન–૧ રવિકુમાર સૈની, ડીસીપી ઝોન–૨ મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આજે અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે વ્યાજખોરો સામે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. આ લોક દરબારમાં શહેરભરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા હજારો લોકો ઉમટી પડયા હતા. ૨૫૦ થી ૩૦૦ જેટલા લોકોએ પોતાની ફરિયાદ સાથે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવા લાઈનમાં ઉભા રહી ગયા હતા. શહેર પોલીસ કમિશનર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને સાંભળી સ્થળ પર જ જે તે પોલીસ સ્ટેશનની હદનો બનાવ હોય ત્યાંના પીઆઈને જરૂરી સુચનાઓ આપી અરજદારને ન્યાય મળી રહે અને વ્યાજખોરોને કડક સજા મળે તે માટે સ્થળ પર જ આદેશ કરવામાં આવ્યો હતો.
શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપી અને બહોળી સંખ્યામાં પોલીસ સ્ટાફ ખડેપગે રહ્યો હતો. લોક દરબાર સવારના ૧૦ વાગ્યાથી શરૂ કરી દેવામાં આવ્યો અને અને બપોરના ૩ વાગ્યા સુધીમાં અનેક અરજદારોને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સાંભળી તેઓને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. લોક દરબારમાં આવેલા લોકો માટે ચા, નાસ્તો અને પાણીની પણ પોલીસ દ્રારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને લોક દરબારમાં આવેલા અને વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનનાર લોકોને કોઈનો ડર રાખ્યા વગર ફરિયાદ કરવા આહવાન કરવામાં આવ્યું હતું અને ફરિયાદ બાદ પણ જો કોઈ વ્યાજખોર હેરાન પરેશાન કરે તો પણ પોલીસ તમને પુરતો ન્યાય અપાવશે તેવી ખાતરી ઉચ્ચ અધિકારીઓએ આપી હતી.

Comments

comments

VOTING POLL