શહિદ જવાનોના પરિવારજનોને મદદ કરતાં ‘ભારતના વીર’નો અક્ષયકુમાર ટ્રસ્ટી બન્યાે

September 7, 2018 at 11:54 am


અર્ધસૈનિક દળના શહિદ જવાનોના પરિવારની મદદ માટે શરૂ કરવામાં આવેલા ‘ભારતના વીર’ નામના ફંડને ટ્રસ્ટમાં તબદીલ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ અભિનેતા અક્ષયકુમારને આ ટ્રસ્ટનો ટ્રસ્ટી બનાવવામાં આવ્યો છે. ટ્રસ્ટ બની ગયા બાદ તેમાં યોગદાન કરનારા લોકોને આવકવેરામાં પણ છૂટ મળી શકશે. અક્ષયકુમારની સાથે જ બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદને પણ ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પાછલા વર્ષે શરૂ કરવામાં આવેલા ‘ભારતના વીર’ ફંડમાં અત્યાર સુધીમાં લોકો 40 કરોડ રૂપિયાનું યોગદાન કરી ચૂક્યા છે અને આ ફંડથી 188 શહિદ જવાનના પરિવારોને મદદ આપવામાં આવી છે પરંતુ અત્યાર સુધી આ ફંડમાં સહયોગ કરનારા લોકોને આવકવેરામાં કોઈ છૂટછાટ મળતી નહોતી. આ જ કારણથી તેને ટ્રસ્ટમાં તબદીલ કરી નાખવામાં આવ્યું છે. અત્યાર સુધી કોઈ પણ વ્યિક્ત અથવા સંસ્થા આ ફંડમાં સહયોગ કરી આવકવેરામાંથી છૂટ મેળવી શકશે. એવું મનાય રહ્યું છે કે છૂટ મળવાથી હવે લોકો તેમાં વધુ સહયોગ આપશે.

મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ અક્ષય કુમારે ભારતના વીર ફંડમાં માત્ર યોગદાન કર્યું હતું એટલું જ નહી પરંતુ બીજા લોકોને પણ આ માટે પ્રેરિત કર્યા હતા. આ જ કારણથી તેને ટ્રસ્ટી બનાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગૃહ સચિવ, આઈટીબીપી, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસબી, એનડીઆરએફ અને અસમ રાયફલ્સ જેવા અર્ધસૈનિક દળોના ડાયરેક્ટર પણ આ ટ્રસ્ટના ટ્રસ્ટી હશે. ગૃહ મંત્રાલયની કોશિશ છે કે અર્ધસૈનિક દળના શહિદ જવાનોના પરિવારજનોને વધુમાં વધુ સહાયતા પૂરી પાડી શકાય.

Comments

comments

VOTING POLL