શિવજી લંકા પાછી આપી ન શક્યા, તેથી દેવતાઓનો ધનનો વહીવટ કુબેર ભંડારીને સોંપ્યો

February 5, 2018 at 1:49 pm


કુબેર ભંડારી એ ગુજરાતનાં વડોદરા જિલ્લાનાં ડભોઇ તાલુકાનાં કરનાળી ગામમાં નર્મદા નદીને કિનારે આવેલું એક મંદિર છે. દર અમાસે તેમજ સોમવારે અને ખાસ કરીને શ્રાવણ માસમાં લાખો ભક્તો શ્રેય અને કલ્યાણ અર્થે કરનાળીમાં આવેલા શ્રી કુબેર ભંડારેશ્વર તીર્થમાં ઊમટે છે અને હર હર ભોળા શંભુના નાદથી મંદિરનું પરિસર ગાજી ઊઠે છે.ખળખળ વહેતી મૈકલ કન્યા નર્મદાજીના તટ ઉપર રમણીય વાતાવરણમાં આવેલા આ મંદિરમાં શ્રી કુબેર ભંડારીદાદા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આમ જોવા જઈએ તો આ મંદિર એક આખા મંદિર પરિસરનો ભાગ છે, જેમાં રણછોડજી, મહાકાળી માતા, શીતળા માતા અને બળિયા દેવનાં પણ મંદિરો આવેલાં છે. મંદિર ખૂબ રમણીય સ્થળે છે અને નર્મદાના કિનારે પહોંચવા માટે પગથિયાંની વ્યવસ્થા છે તથા ઘાટ બનેલો હોવાથી પર્યટન સ્થળ તરીકે પણ તેનો વિકાસ થયેલો છે.એક કથા મુજબ, કુબેર રાવણનો ઓરમાન ભાઈ હતો અને રાવણે ભોળાનાથ ભગવાન શંકરનું તપ કરી તેમની કૃપા પ્રાપ્ત કરી અમોઘ શક્તિઓ મેળવી હતી. આ શક્તિઓના બળે તેને પોતાના ભાઈ કુબેર પર આક્રમણ કરી તેને પદભ્રષ્ટ કર્યો અને લંકામાંથી હાંકી કાઢ્યો. કુબેર પણ ભગવાન શંકરનો ભક્ત હતો, તે ફરતો ફરતો નર્મદા કિનારે પહોંચ્યો અને ત્યાં તેણે મહાદેવનું તપ કરવા માંડ્યું.રાવણને જાણ થતાં તેણે કુબેરને અહીં પણ હેરાન કરવા માંડ્યો. છેવટે કુબેર કરનાળી ગામે આવી ત્યાં તેણે મહાકાળીનું શરણું લઈને પોતાની રક્ષાની જવાબદારી તેમને સોંપી. તપ કરતાં તેને શિવજી પ્રસન્ન થયા અને લંકાનું રાજ પાછું આપવા અસમર્થ હોવાથી, સર્વે દેવી દેવતાઓનાં ધનનો વહીવટ તેમને સોંપ્યો. તે દિવસથી કુબેર, કુબેર ભંડારી તરીકે ઓળખાયા. ભગવાન શંકરે તેમને પોતાના સમકક્ષ સ્થાન આપ્યું.આમ કુબેરે જે જગ્યાએ મહાદેવજીનું તપ કર્યું હતું તે સ્થળે ભગવાન સાક્ષાત બિરાજમાન થયાં અને કુબેરેશ્વર તરીકે ઓળખાયા. મંદિર સંકુલમાં મુખ્ય મંદિર કુબેરેશ્વર મહાદેવનું છે, જેની બાજુમાં કુબેર ભંડારીનો કક્ષ છે. આ ઉપરાંત અહીં રણછોડજીનું પણ નાનું પણ સુંદર મંદિર આવેલું છે. મંદિરથી પગથિયાં ઊતરીને નર્મદા નદી પાસે જતાં મહાકાળી માતાનું મંદિર આવે છે. આ ઉપરાંત અન્ય મંદિરો પણ છે.શ્રી કુબેર ભંડારીનું અન્ય એક માહાત્મ્ય એવું પણ છે કે તિરુપતિ બાલાજીનાં લગ્ન લેવાયાં ત્યારે તેમના શ્વશુરે તેમને મોભાને અનુરૂપ જાન જોડીને આવવાનું જણાવ્યું હતું. આ માટે તિરુપતિ બાલાજીએ શ્રી કુબેર ભંડારી પાસેથી દાન લીધું હતું. સમયાવધિ પૂર્ણ થયા બાદ તિરુપતિ બાલાજીએ એ ધન પરત જમા નહીં કરાવતાં શ્રી કુબેર ભંડારીએ દક્ષિણમાં જઇ તિરુપતિ બાલાજીના વાળ ઉતારી લીધા હતા. આજે પણ તિરુપતિ બાલાજીનાં દર્શને જતાં ભક્તો ત્યાં મુંડન કરાવે છે અને ઋણ મુક્તિની ભાવના વ્યક્ત કરે છે.એટલે જ ચાંદોદ પગ રસ્તે ચાલતાં જતાં ત્રિવેણી સંગમના કિનારે પહેલાં ઋણ મુક્તેશ્વર મહાદેવનું ગગનને આંબતું મંદિર આવેલું છે. પહેલાં ત્યાં દર્શન કરી ઋણ મુક્ત થયા બાદ જ શ્રી કુબેર ભંડારીનાં દર્શન કરવાથી સુખ સમૃદ્ધિ અને આબાદી મેળવી શકાય છે.અહીં પૂજા કરીને સોપારી આપવામાં આવે છે, જેનું પૂજન કરવાથી નિ:સંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ થાય છે તેવી માન્યતા છે. આ ઉપરાંત, કેમ કે આ મંદિર સ્વર્ગનાં ભંડારના અધિપતિ એવા કુબેરનું છે, તેથી તેની પાસે આવનાર દરેક ધનની પણ અપેક્ષા રાખે છે. અનેક લોકો અહીંથી ચોખા લઈ જઈને પોતાનાં ઘરે ધન ભેગા રાખે છે, જેથી તેમનો ભંડાર પણ ખૂટે નહીં તેવું તેમનું માનવું હોય છે.•

Comments

comments

VOTING POLL