શું તમારા લાડકવાયાઓ પીવે છે પ્લાસ્ટિકની બોટલમાં દૂધ? તો થઈ જાઓ સાવધાન…

May 9, 2019 at 8:50 pm


જો તમે તમારા બાળકોને પ્લાસ્ટિકની બોટલમાં દૂધ પીવડાવતા હોવ તો તમારા માટે આ અહેવાલ વાંચવો ખુબ જરૂરી છે. દેશના વિવિધ રાજ્યોમાં વેચાતી બાળકો માટેની દૂધની બોટલ અને સિપરમાં ખતરનાક કેમિકલ હોવાનું એક રિસર્ચથી આ વાત સામે આવ્યુ છે. તમારા બાળકો માટે ભલે તમે નાનામાં નાની વાતનું ધ્યાન રાખતા હોવ પરંતુ તમારા બાળકના સ્વાસ્થ્ય માટે તમારે હર પળ સજાગ રહેવું ખુબ જરૂરી છે.

હાલમાં થયેલા એક રિસર્ચે પણ બધાને ચોંકાવી દીધા છે. રિસર્ચથી સ્પષ્ટ થયું છે કે નાના બાળકોની દૂધની બોટલ અને સિપર કપમાં રસાયણની માત્રા મળી રહી છે. જે જીવલેણ છે. ખાસ પ્રકારનું રસાયણ ‘બિસ્ફેનોલ-એ’ બાળકોની દૂધની બોટલમાં રિસર્ચ દરમિયાન મળી આવ્યું. જે ખુબ જ હાનિકારક છે અને તેના પ્રભાવથી બાળકોને આગળ જઈને અલગ અલગ પ્રકારની બીમારીઓ થઈ શકે છે.

દેશના અલગ અલગ ભાગોમાંથી ભેગા કરાયેલા નમૂનાના આધારે દિલ્હી આધારિત સંસ્થા ટોક્સિક લિંકે પોતાના રિસર્ચ રિપોર્ટમાં દાવો કર્યો છે કે દેશના બજારમાં ધડાધડ વેચાતી દૂધની બોટલ અને સિપર બાળકો માટે સેફ નથી. ગત ચાર વર્ષમાં બીજી વાર કરાયેલા સ્ટડીમાં સ્પષ્ટ કરાયું છે કે બીઆઈએસ (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ)નો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. સસ્તી અને ખરાબ ગુણવત્તાવાળી બોટલો બનાવતી કંપનીઓ કેમિકલનું કોટિંગ કરીને તેને બોટલોને મુલાયમ રાખે છે. આ સાથે જ બોટલો લાંબા સમય સુધી ખરાબ થતી નથી.

નિષ્ણાત ડોક્ટરે જણાવ્યું કે સતત બોટલથી દૂધ પીતા બાળકના ગળામાં સોજો આવી જાય છે. તેને ઝાડા ઉલ્ટી, ડાયેરિયા પણ થઈ શકે છે. હંમેશા મેડિકેટેડ બોટલનો જ ઉપયોગ કરવો જોઈએ. ગુણવત્તાવાળી બોટલો મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ હોય છે. પોલી કોર્બોનેટથી બનેલી બેબી બોટલ પર બીઆઈએસ (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ)એ 2015માં જ રોક લગાવી દીધી હતી અને આમ છતાં તે હજુ પણ ભારતીય બજારમાં ઉપલબ્ધ છે તથા તે બાળકોની બીમારીઓનું એક મોટું કારણ પણ બની રહી છે. તેને લઈને હજુ સુધી કોઈ કાયદો ન હોવાનો ફાયદો અનેક કંપનીઓ ઉઠાવી રહી છે અને તેનો ભોગ નાના નાના માસુમ બાળકો બની રહ્યાં છે. જ્યારે બોટલમાં ગરમ પાણી કે દૂધ ભરીને બાળકોને પીવડાવવામાં આવે છે તો તે રસાયણ પણ તેમાં ભળી જઈને બાળકોના શરીરમાં જાય છે અને શરીરમાં ગયા બાદ તે રસાયણના કારણે પેટ અને આંતરડાનો રસ્તો બંધ થઈ જાય છે. જેના કારણે ક્યારેક ક્યારેક જીવનું જોખમ બની જાય છે.

Comments

comments