શુક્રવારથી રાજ્યભરમાં ચોથા તબકકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

August 22, 2018 at 12:11 pm


રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે અને પ્રજાને સરકારી સેવાનો લાભ ઘરઆંગણે મળી શકે ઉપરાંત તેમની ફરિયાદોનો પણ સ્થળ પર જ નિકાલ થઇ શકે તે માટે રાજ્ય સરકારે અગાઉ અમલમાં મુકાયેલા ત્રણ તબક્કાના સેવા સેતુ કાર્યક્રમને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ હવે ફરીથી તા. 24મી ઓગસ્ટથી ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. આ સંદર્ભમાં તમામ સ્તરની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
ચોથા તબક્કાનો આ કાર્યક્રમ શહેરી તથા ગ્રામ્ય સ્તરે યોજવામાં આવશે, જે અંતર્ગત મહિનામાં બે વાર પ્રાંત કક્ષાએ સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવશે.જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહીત 14 જેટલા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 13 વિભાગની 55 જેટલી વિવિધ સરકારી સેવાઓનો લાભ પ્રજાને અપાશે તથા તેને લગતા પ્રશ્નોનો પણ સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે.આ ઉપરાંત રાજ્ય સરકારના 22 જેટલા વિભાગોની તમામ યોજનાઓ અંગે પણ પ્રજાને સ્થળ પર જ માહિતી આપવામાં આવશે.જેના પગલે પ્રજા અને સરકાર વચ્ચે સંવાદ વધશે અને તેનો પરોક્ષ લાભ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર ઉઠાવી શકશે તેવી પણ ચચર્િ સરકારી વર્તુળોમાં ચાલી રહી છે.
સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ત્રણ તબક્કાના સેવા સેતુના કાર્યક્રમોને સારી સફળતા મળી છે.જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હવે ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને સત્તાવાર જાણ કરી દીધી છે. જેમાં સ્પષ્ટરીતે જણાવવામાં આવ્યું છે કે જે તે તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં 14 જેટલા અધિકારીઓની સમિતિની રચના કરશે. જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સ્થાનિક પીઆઇ કે પી એસ આઈ વિસ્તરણ અધિકારી, બાગાયત અધિકારી, વેટરનરી અધિકારી, પુરવઠા નિરીક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક, તથા મેડિકલ ઓફિસર ( આયુર્વેદ ) વગેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમના દ્વારા તાલુકાના પાંચ થી છ ગામોનું ક્લસ્ટર બનાવી તેમના વચ્ચેના એક ગામમાં સેવા સેતુ કાર્યક્રમનો એક કેમ્પ ગોઠવવાનો રહશે.સંબંધિત ક્લસ્ટર કક્ષાના કાર્યક્રમના સંકલનની જવાબદારી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને સરખે હિસ્સે આપવાની રહશે.
સેવા સેતુના આ કાર્યક્રમ હેઠળ યોજાનારા કેમ્પમાં આધાર કાર્ડ તથા તેને સંલગ્ન મોબાઈલ નંબરમાં પરિવર્તન , રાશન કાર્ડના કામો, જતી પ્રમાણ પત્રો ( સૌરાષ્ટ્રના જિલ્લાઓ સિવાય ) કુંવરબાઈનું મામેરું સહાય યોજના, માં વાત્સલ્ય કાર્ડ (અરજી), માં અમૃતમ કાર્ડ (અરજી), ઘરેલુ નવા વીજ જોડાણ, મેડિસિન સારવાર સહીત 55 પ્રકારની સેવાઓનો લાભ તેમજ સરકારી યોજનાઓની માહિતી સ્થળ પર અપાશે.
સેવા સેતુ કાર્યક્રમ યોજાનારા કેમ્પ દરમિયાન સવારે 9 થી 11 સુધી અરજદારો પાસેથી રજૂઆતો અને તે સંબંધી પુરાવાઓ મેળવીને 11 થી 12 સુધી સ્થળ તપાસ કરીને 3 થી 5 દરમિયાન અરજદારોના પ્રશ્નોનો નિકાલ કરશે. જો કોઈ સંજોગમાં સ્થળ પર ફરિયાદનો નિકાલ ન થઇ શકે તો 15 દિવસમાં વિગતોની તાપસ કરાવી તેનો નિકાલ કરવાની પણ સરકારે ખાતરી આપી છે.

Comments

comments