સરકારની સૂચના નહી આવે ત્યાં સુધી કલાર્ક પરીક્ષા મોકૂફ

October 12, 2019 at 8:34 pm


Spread the love

અરવલ્લી જિલ્લાના બાયડ વિધાનસભાની ચુંટણી દરમ્યાન જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતીમાં સહકાર સંમેલન અને સાંસદ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચુંટણી ટાણે યોજાયેલા આ કાર્યક્રમને લઇને રાજકીય રંગ જામ્યો હતો અને આમ નાયબ મુખ્ય પ્રધાનને પણ એક યા બીજા બહાને ચુંટણી કેમ્પેઇનમાં ઉતાર્યા હતા. નીતિન પટેલે કાર્યક્રમ દરમ્યાન સ્પષ્ટ કર્યુ હતુ કે, બીનસચીવાલય કારકુનની પરીક્ષા રદ કરવાને લઇને ચોક્કસ કયા કારણોથી પરીક્ષા રદ કરાઇ હતી તે પોતાની જાણમાં નહી હોવાનુ ગણાવ્યુ હતુ. તેમજ સરકાર નવી સુચના ના આપે ત્યાં સુધી પરીક્ષાને મુલતવી રાખવા પણ ગૌણ સેવા પસંદગી મંડળને સુચના અપાઇ હોવાનુ જણાવ્યુ હતુ. બીજીબાજુ, પરીક્ષા રદ થવાના કારણે હજારો ઉમેદવારો ભારે મૂંઝવણમાં મૂકાયા છે. બાયડ વિધાન સભાની ચુંટણી દરમ્યાન હવે ભાજપે એક યા બીજી રીતે પણ સરકારના નાયબ મુખ્ય પ્રધાને મેદાને ઉતાર્યા છે. બાયડના ચોઇલા ગામે જિલ્લાના સહકાર સંમેલનના બહાને ભાજપે પેટા ચુંટણીમાં આડકતરો પ્રચાર કરવા સમાન પ્રયાસ કર્યો હોય એવો માહોલ સર્જાયો હતો. સહકારી નેતાઓ અને ખાસ કરીને પાટીદાર નેતાઓને સ્ટેજ પર સ્થાન આપીને ચુંટણી ટાણે જ પાટીદારો પર પ્રભાવ સ્થાપવા જેવો પ્રયાસ રાજકીય રીતે નજરે ચડ્‌યો હતો. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલ સહકાર સંમેલન અને સાંસદ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહીને રાજ્ય સરકારની વિકાસ ગાથાને રજુ કરીને આડકતરી રીતે સરકાર સાથે રહેવાની વાતો કરીને પાટીદારો અને સ્થાનિકોને આકર્ષવા પ્રયાસ કર્યા હતા. ભાજપ માટે આમ તો બાયડ બેઠકને હાંસલ કરવી એ કશ્મકશ ભરી સ્થિતીમાં લાગતા જ તમામ મોરચેથી ભાજપે તાકાત લગાવી દીધી છે. આ દરમ્યાન નીતિન પટેલે બીન સચીવાલય કારકુનની પરીક્ષા રદ કરવાને લઇને પરીક્ષા કેમ રદ કરવામાં આવી છે તે વિશે કોઇ ચોક્કસ માહિતી નહી હોવાનુ જણાવી કહ્યુ હતુ કે, સરકારે ગૌણ સેવા પસંદગી મંડળને સુચના આપી છે કે સરકાર નવો નિર્ણય ના કરે ત્યાં સુધી આ પરીક્ષા મુલતવી રાખવી. તો, શંકરસિંહ વાઘેલાએ ભાજપે તેમના પુત્ર મહેન્દ્રસિંહને છેતર્યાના મુદ્દે પણ નાયબ મુખ્યમંત્રીએ શંકરસિંહ વાઘેલાને તેમના વડીલ તરીકે ગણાવ્યા હતા અને વડીલે ક્યાંક ક્યાં શુ બોલ્યા એ વિશે માહીતી નહી હોવાનુ વાત સાફ કરી હતી. જા કે, બિનસચિવાલય કલાર્કની પરીક્ષાના હજારો ઉમેદવારો પરીક્ષા રદ થતાં અને નવી તારીખ અને સમયને લઇ ભારે અસમંજસ અને મૂંઝવણભરી મૂકાયા છે, ઉમેદવારોમાં આ પ્રકારના નિર્ણયને લઇ ભારે રોષ પણ જાવા મળી રહ્યો છે.