સરધારના 100 ખેડૂતોની 2500 વીઘા જમીનમાં ત્રણ મહિનાથી ભરાયેલા તળાવના પાણી

December 2, 2019 at 4:11 pm


Spread the love

સરધાર માં 100 જેટલા ખેડૂતોની 2500 વીઘા જમીનમાં છેલ્લા ત્રણ મહિનાથી તળાવના પાણી ભરાયા છે. આ બાબતે અવાર-નવાર જિલ્લા વિકાસ અધિકારી સહિતના સત્તાવાળાઆેને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. હવે જો સાત દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ નહી આવે તો ખેડૂતો ઉપવાસ આંદોલન કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
રાજકોટ તાલુકા પંચાયતના સભ્ય ચેતનભાઇ પાણની આગેવાની હેઠળ સરધારના 60 જેટલા ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ આજે બપોરે રાજકોટ જિલ્લા પંચાયત આવી પહાેંચ્યું હતું અને જિલ્લા પંચાયતના સત્તાવાળાઆેને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે ખેતરમાં ત્રણ મહિનાથી પાણી ભરાયેલા હોવાને કારણે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. હાલ આ પાણીનો નિકાલ ન થાય તો આવતા વર્ષે પણ 2500 વીઘા જમીનમાં કોઈ ઉત્પાદન આવી શકે તેમ નથી.
હાલ જે કેનાલ છે તે Kડી અને પહોળી બનાવવા, ભૂપગઢ તરફથી આવતું પાણી ડાઇવર્ટ કરવા સહિતની માગણી ખેડૂતોએ કરી હતી અને જણાવ્યું હતું કે તળાવના પાણીનું લેવલ 96.30 ઇચથી વધી જાય તો વધારાના પાણીનો નિકાલ કરવાનો હુકમ 1973માં તે વખતના જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવેલ છે. હાલ તળાવમાં પાણીનું લેવલ 125 ઇંચ જેટલુ થઈ ગયુ છે આમ છતાં પાણીનો નિકાલ કરવામાં આવતો નથી.
રાજકોટ તાલુકા પંચાયતના સભ્ય અને સરધારના વતની ચેતનભાઇ પાણે જણાવ્યું હતું કે અગાઉ તા.17 સપ્ટેમ્બરના રોજ પણ રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ તેનું કોઇ નિરાકરણ આવેલ નથી. વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયેલ છે અને વીમા કંપની દ્વારા સર્વે કરવામાં આવેલ હોવા છતાં હજુ સુધી કોઈ નાણા ચૂકવાયા નથી.