સીપેક પર હુમલાની ભારતની યોજના છે: પાક.નો આક્ષેપ

February 6, 2018 at 10:49 am


અબજો ડોલરના ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપેક) પ્રોજેક્ટમાં ભાંગફોડ કરવા ભારત સીપેકની આસપાસના સંસ્થાનો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે એવો દાવો પાકિસ્તાનના આંતરિક બાબતોના ખાતાએ કર્યો હતો.
ગિલગિટ-બાલ્ટિસ્તાનના ગૃહ ખાતાને લખેલા પત્રમાં આંતરિક બાબતોના ખાતાએ સીપેકના માર્ગ પર કારાકોરમ હાઇવે પરના પુલ તેમ જ અન્ય મહત્વના સંસ્થાનો સહિતના સ્થળે સંભવિત આતંકવાદી હુમલાની ચેતવણી આપી હતી.
કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે એ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાનો આદેશ તેમણે આપ્યો છે.
ગૃહ ખાતાના અધિકારીના જણાવ્યાનુસાર ભારતે 400 જેટલા મુસ્લિમ યુવકને આતંકવાદી હુમલો કરવાની તાલીમ લેવા અફઘાનિસ્તાન મોકલ્યા છે.
ગિલગિટ-બાલ્ટિસ્તાન સરકારે કહ્યું હતું કે ખુન્જેરાબથી ડાયમર જિલ્લા સુધી કારાકોરમ હાઇવે પર બાંધવામાં આવેલા બે ડઝન જેટલા પુલ સહિત સીપેકના સમગ્ર માર્ગ પર તેમણે સુરક્ષાવ્યવસ્થા સઘન કરી દીધી છે.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ વિસ્તારમાં વિદેશીઓની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવશે અને તેમના દસ્તાવેજોની સઘન ચકાસણી કરવામાં આવશે.

પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે કારાકોરામ હાઈવે પર સુરક્ષા માટે ગોઠવવામાં આવેલા પોલીસ અધિકારીઓને હાઈ ઍલર્ટ પર મૂકવાની જરૂર છે. સંવેદનશીલ સ્થળો, હોટેલો, ગેસ્ટહાઉસ વગેરે જગ્યાએ સ્થાનિક પોલીસે ચાંપતી નજર રાખવી પડશે, એમ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.
ચીનના આ મોટા અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટે છેલ્લા કેટલાક વર્ષથી ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ ઊભું કર્યું છે.
સીપેક, રોડ, રેલવે અને હાઈવે મારફતે ચીનના ઝિનજિયાન્ગ પ્રાન્તના કાશગરને બલોચિસ્તાનના ગ્વાદર બંદર સાથે જોડે છે.
આ પ્રોજેક્ટનો માર્ગ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થતો હોવાને કારણે ભારતે તેનો મક્કમતાપૂર્વક વિરોધ કર્યો છે.

Comments

comments