સુરતની દુર્ઘટનામાં વધુ એક વિદ્યાર્થીનું મૃત્યુ: સમગ્ર શહેર શોકમય

May 25, 2019 at 10:35 am


સુરત શહેરના છેવાડે સરથાણા નેચર પાર્ક સામે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફલોર ઉપર મીઠાઇની દુકાનમાં લાગેલી આગ જોતજોતામાં ત્રીજા માળ સુધી ફેલાઇ ગઇ હતી. ચારેબાજુ અંધારપટ, ધુમાડાના ગોટેગોટા વચ્ચે સર્જાયેલા અગ્નિતાંડવમાં અલોહા ક્લાસિસના 19 વિદ્યાર્થીઓ અગનજ્વાળાઓમાં જીવતા ભૂંજાઇ ગયા હતા. આજે સવારે સારવાર લઈ રહેલા એક વિદ્યાર્થીનું મૃત્યુ થતાં સવારે મૃત્યુંઆક 23 થયો હતો. સમગ્ર સુરત શોકમય છે અને આજે અનેક વિસ્તારોએ બંધ પણ પાળ્યો છે.

ત્રીજા માળે કલાસિસમાં મોત સામે ઝઝૂમી રહેલા વિદ્યાર્થીઓએ જીવ બચાવવાનો કોઇ રસ્તો નહીં સૂઝતા ત્રીજા માળેથી ભૂસકો મારવા મજબૂર થવું પડયું હતું. હૈયું હચમચાવી દેનારા આ દ્રશ્યો જોઇ સંખ્યાબંધ લોકોના મોઢેથી સિસકારા બોલી ઊઠયા હતા. આર્કેડમાં ફેલાયેલી વિકરાળ આગના લપકારા વચ્ચે ચારેતરફ અંધાધૂંધી અને અફરાતફરીના માહોલ સર્જાયો હતો. કોલ મળતા જ દોડી આવેલા ફાયર વિભાગના લાશ્કરોએ રેસ્ક્યુ કામગીરી આરંભી હતી.

ચાર કલાકની જહેમતને અંતે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. જોકે, તે પહેલા દુભર્ગ્યિવશ 19 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓનો ખિલખિલાટ હંમેશા માટે ખામોશ થઇ ગયો હતો. આગની આ ઘટના અંગે મેસેજ મળતા જ બેબાકળા બની પોતાના વહાલસોયા બાળકોને શોધવા તક્ષશિલા આર્કેડ અને સ્મીમેર હોસ્પિટલ દોડી આવેલા વાલીઓની ચિચિયારીઓ વચ્ચે ચારેતરફ આંસુ, આક્રંદ અને ડૂસકા રહી ગયા હતા.

ઘટનાની ગંભીરતા પારખી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણી તેમના તમામ કાર્યક્રમો પડતા મૂકી તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા. સ્થળ સ્થિતિની સમીક્ષા કરી આ દુર્ઘટનાની તપાસ સરકારના શહેર વિકાસ વિભાગના અગ્રસચિવ મુકેશ પુરીને સોંપતો હુકમ કર્યો હતો.

ટ્યૂશન ક્લાસીસના સંચાલકની કરાઇ અટકાયત

સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ મામલે ટ્યૂશન ક્લાસીસના સંચાલકની અટકાયત કરવામાં આવી છે. ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણી ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે.
સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 23 વિદ્યાર્થીઓના મોત થયા છે.

Comments

comments

VOTING POLL