સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 9.47 લાખ સહિત રાજ્યના 42.47 લાખ ખેડૂતોને કિસાન સન્માનનિધિ યોજનાનો લાભ

February 25, 2019 at 11:30 am


તાજેતરના કેન્દ્રીય બજેટમાં જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તરપ્રદેશના ગોરખપુરથી પ્રારંભ કરાવ્યો તેની સાથે જ ગુજરાતમાં આ યોજનાનો રાજકોટ ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ થયો છે. આ યોજના અંતર્ગત રાજ્યના 42.47 લાખ ખેડૂતોને સન્માન નિધિ અંતર્ગત કૂલ રૂા.6 હજાર પૈકીના પ્રથમ હપ્તા પેટે રૂા.2000ની ચૂકવણીનો પ્રારંભ થયો છે.

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા હેમુ ગઢવી હોલમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં આત્મ યોજના સાથે જોડાયેલી મહિલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં સર્વ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિતિએ રસપૂર્વક સાંભળ્યો હતો અને વડાપ્રધાનશ્રી દ્વારા વિવિધ વિષયો પર પ્રસ્તુત કરવામાં આવેલા વિચારોને સાંભળી મંથન કર્યું હતું.

તે બાદમાં ઉત્તરપ્રદેશના ગોરખપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ત્યાંના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પ્રવચન રજૂ થયું હતું. બાદમાં વડાપ્રધાનએ સમગ્ર દેશમાંથી આવેલા કિસાનોને હાથોહાથ આ યોજનાનો લાભ આપ્યો હતો. જેમાં ગુજરાતના ખેડૂતનો પણ સમાવેશ થાય છે.

વડાપ્રધાનના પ્રવચનને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ મંત્રી આર. સી. ફળદુએ પણ રસપૂર્વક સાંભળ્યું હતું. એ બાદ આ યોજનાનો પ્રારંભ થયો હતો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના રાજકોટ જિલ્લાના પ્રથમ લાભાર્થી બનવાનું બહુમાન મોવિયા ગામના ખેડૂતને મળ્યું હતું. રાજકોટ જિલ્લાના કૂલ 147134 ખેડૂતોને અત્યાર સુધીમાં આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના કૂલ 11 જિલ્લાના 947900 ખેડૂતોને લાભ મળશે.

જેમાં ભાવનગરના 155280, અમરેલીના 134984, જુનાગઢના 113718, ગિરસોમનાથના 103569, સુરેન્દ્રનગરના 93070, મોરબીના 58683, દેવભૂમિ દ્વારકાના 48542, બોટાદના 46208, પોરબંદરના 36533, જામનગરના 10179 ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી, ચેરમેન ધનસુખભાઇ ભંડેરી તથા હંસરાજભાઇ ગજેરા, મેયર બિનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, નીતિનભાઇ ભારદ્વાજ, રાજુભાઇ ધ્રુવ, અગ્ર સચિવ સંજય પ્રસાદ, કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર બી. એન. પાની, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવસિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Comments

comments