સૌરાષ્ટ્ર-કચ્છની 649 ગ્રામ પંચાયતોની કાલે ચૂંટણી

February 3, 2018 at 10:29 am


Spread the love

સૌરાષ્ટ્ર-કચ્છની 649 સહિત રાજ્યની 1423 ગ્રામ પંચાયતોની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી પક્ષના બેનર કે પ્રતીક પર લડાતી નથી આમ છતાં ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને સ્થાનિક કક્ષાએ અસ્તિત્વ ધરાવતી નાગરિક સમિતિઓ જેવા સંગઠનો દ્વારા ગ્રામ પંચાયતનો ગઢ કબજે કરવા માટે અત્યાર સુધી એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. આવતીકાલે ચૂંટણી યોજાશે અને તા.6ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ હજુ વિખેરાયો નહીં હોય ત્યાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોને ચૂંટણીઓનો ગરમાવો શ થઈ જશે. સૌરાષ્ટ્ર-કચ્છની 33 સહિત 75 નગરપાલિકાઓની ચૂંટણી આગામી તા.17ના રોજ યોજાનારી છે. સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં.4ની એક બેઠકની પેટાચૂંટણી યોજાનાર હોવાથી ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં ઈલેકશન ફિવર સર્જાયો છે. ગ્રામ્ય પંચાયત સિવાયની પંચાયતોની ચૂંટણીઓ રાજકીય પક્ષોના બેનર અને પ્રતીક નીચે લડાતી હોવાથી ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો, અપક્ષો અને સ્થાનિક કક્ષાએ અસ્તિત્વ ધરાવતા સંગઠનો દ્વારા ભારે જોર લગાવવામાં આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી પછીની પંચાયતોની આ ચૂંટણીમાં મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના રાજ્યનો મોટાભાગનો વિસ્તાર આવરી લેવાયો હોવાથી 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાંની આ નેટ પ્રેક્ટિસ સમાન બની રહેશે અને ‘કૌન કીતને પાની મે’ તેનો અંદાજ આવી જશે.
આવતીકાલે 1423 ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી યોજાવાની છે તેમાં અમરેલી જિલ્લાની 38, ભાવનગર જિલ્લાની 128, જામનગર જિલ્લાની 226, જૂનાગઢ જિલ્લાની 26, કચ્છ જિલ્લાની 68, પોરબંદર જિલ્લાની 9, રાજકોટ જિલ્લાની 22, સુરેન્દ્રનગર જિલ્લાની 10, મોરબી જિલ્લાની 16, ગીર-સોમનાથ જિલ્લાની 10, દેવભૂમિ દ્વારકા જિલ્લાની 61 અને બોટાદ જિલ્લાની 35 ગ્રામ્ય પંચાયતોનો સમાવેશ થાય છે.
આવતીકાલે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. જો કોઈ કિસ્સામાં ફેર મતદાનની જર પડશે તો તા.5 ફેબ્રુઆરીના રોજ રી-પોલિંગ રાખવામાં આવેલ છે અને તા.6 ફેબ્રુઆરીએ મત ગણતરી હાથ ધરવામાં આવશે.