સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં કાલથી ભારે વરસાદની આગાહી

August 16, 2018 at 11:48 am


બંગાળની ખાડીમાં ઓડિસા નજીકના વિસ્તારમાં ડિપ્રેશન સર્જાયુ છે અને આગામી તા.18 સુધીમાં વધુ એક લો-પ્રેશર બંગાળની ખાડીમાં સર્જાય તેવું વાતાવરણ ઉભું થયું છે. ચોમાસુ બંગાળની ખાડીમાં ફરી સક્રિય થયું છે અને તેની અસરના ભાગપે આવતીકાલથી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન અને આગામી તા.18ના રોજ સર્જાનારા લો-પ્રેશરની સાથોસાથ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 3.1થી 5.8 કિલોમીટરની ઉંચાઈ પર સાયકલોનિક સરકયુલેશન સર્જાયું છે. મહારાષ્ટ્રથી કેરળની દરિયાપટ્ટીમાં ઓફશોર ટ્રફ જોવા મળી રહ્યું છે. આ તમામ બાબતોને કારણે દરિયો તોફાની બનશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કણર્ટિકા, કેરળ, પશ્ર્ચિમ બંગાળ, ઓડિસા, આંધ્રપ્રદેશ, આંદામાન-નિકોબાર સહિતના વિસ્તારોમાં દરિયો તોફાની બને તેવી સંભાવનાને ધ્યાનમાં રાખી માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલે નર્મદા, સુરત, ભચ, છોટા ઉદેપુર, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, દીવ અને દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિલસિલો ત્રણેક દિવસ સુધી ચાલુ રહેશે તેમ પણ હવામાન ખાતાએ જણાવ્યું છે અને ઉમેર્યું છે કે, શનિવારથી વરસાદનો વ્યાપ વધશે અને સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ મેઘરાજા પધરામણી કરશે.

Comments

comments