સૌરાષ્ટ્ર તરફ ધસમસતું ‘વાયુ’ વાવાઝોડું: વેરાવળથી 400 કિ.મી. દૂર

June 12, 2019 at 10:30 am


અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક ઉદ્ભવેલું ‘યુવા’ વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ ધસમસતી ઝડપે આવી રહ્યું છે અને તેના કારણે સમગ્ર તંત્ર એલર્ટ બની ગયું છે. ભારતીય વેધશાળા દ્વારા આજે સવારે બહાર પડાયેલા બૂલેટિનમાં જણાવાયા મુજબ વાવાઝોડું વેરાવળના દરિયાકાંઠાથી 400 કિલોમીટર દૂર છે અને છેલ્લા 6 કલાકમાં 18 કિલોમીટર વાવાઝોડું આગળ વધ્યું છે. વાવાઝોડાની સ્પિડ જોતાં તે આવતીકાલે સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે ટકરાય અને અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શકયતા છે. વાવાઝોડાની ગતિ પ્રતિ કલાકના 135 કિલોમીટરની આસપાસ અંદાજવામાં આવતી હતી પરંતુ આ વાવાઝોડું દરિયામાં વધુ મજબૂત બન્યું છે અને આવતીકાલે જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેની ગતિ 140થી 150 કિલોમીટરની રહેવાની અને અમુક તબકકે તે વધીને 165 કિલોમીટરે પહોંચવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ કાલે સવારે 3-30 વાગ્યાથી 4-30 વાગ્યા આસપાસ વાવાઝોડું વેરાવળ અને દીવ રિઝિયનના સમુદ્રમાં પોરબંદરથી મહવા વચ્ચે ત્રાટકશે. વાવાઝોડાને કારણે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, દીવ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લા સહિત ગુજરાતના દરિયાકાંઠાના અનેક વિસ્તારોને અસર કરશે. દરિયામાં દોઢથી બે મીટર ઉંચા મોજા ઉછળશે. વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગઈકાલથી વરસાદ ચાલુ થઈ ગયો છે અને આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે. આવતીકાલ તા.13 જૂનના રોજ સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે અને તા.14ના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેમ હવામાન ખાતું જણાવે છે.

Comments

comments

VOTING POLL