સ્વચ્છતા સર્વેક્ષણ ટીમનું આગમન, મહાપાલિકાએ કરેલી કામગીરીનો ચિતાર રજુ કર્યો શનિવારે ખરી કસોટી

February 8, 2018 at 2:52 pm


દેશભરમાંથી પસંદગી પામેલા 4 હજારથી વધુ શહેરો સાથે સ્વચ્છતા સંદર્ભે ભાવનગરની હરિફાઇ ઃ સર્વેક્ષણ ટીમના સભ્યો શનિવારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફરીને સ્વચ્છતા અંગે કરશે ચકાસણી ઃ નગરજનોના ઉત્તમ યોગદાન વગર ભાવનગરને સ્વચ્છતાની હરિફાઇમાં અગ્ર હરોળમાં લઇ જવું મુશ્કેલ

સ્વચ્છતા સર્વેક્ષણ માટે કયુસીઆઇની ટીમનું આજે ભાવનગરમાં આગમન થયું હતું. ટીમના સભ્યો સમક્ષ ભાવનગર મહાપાલિકાએ સ્વચ્છતા માટે લીધેલા પગલાનો તસ્વીરો સાથેનો ચિતાર રજુ કર્યો હતો. મહાપાલિકાએ આપેલી વિગતોના આધારે હવે 10મીએ ટીમના સભ્યો સ્થળ પર જઇને ચકાસણી હાથ ધરશે અને તેના આધારે સ્વચ્છતામાં ભાવનગરનો ક્રમ નકકી થશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં 430 શહેરો વચ્ચેની હરિફાઇમાં ભાવનગરનો ક્રમ 33મો આવ્યો હતો જ્યારે આ વખતે 4 હજારથી વધુ શહેરો વચ્ચે સ્વચ્છતાની તુલના કરીને ક્રમ અપાશે આમ, આ વખતે પડકાર વધુ રહેશે ત્યારે નગરજનોના યોગ્ય સાથ સહકાર અને યોગદાન વગર સ્વચ્છતા માટે ભાવનગર ગૌરવ નહી લઇ શકે!
સ્વચ્છતા સર્વેક્ષણ 2018નો ગત 4 જાન્યુઆરીથી પ્રારંભ થયો છે અને 10 માર્ચ સુધીમાં દેશભરના નકકી થયેલા 4 હજારથી વધુ શહેરોમાં ટીમના સભ્યો રૂબરૂ જઇને જાત ચકાસણી કરશે. ભાવનગરમાં 10મી ફેબ્રુઆરી-શનિવારે ટીમના સભ્યો દ્વારા જાતે પસંદગી થયેલા સ્થળોની મુલાકાત લઇને સ્વચ્છતાનો માપદંડ નકકી કરાશે. જેમાં સભ્યો દ્વારા સ્થળ પરથી ફોટા અને વિગતો ઇન્ટરનેટના માધ્યમથી દિલ્હી મોકલી અપાશે. ત્યારબાદ 10 માર્ચ પછી ગમે ત્યારે પરિણામ જાહેર થશે. સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં સ્થાન મેળવવા ભાવનગર મહાપાલિકા દ્વારા છેલ્લા 3 મહિનાથી ભરપુર પ્રયાસો કરી લોકોને જાગૃત કરવા સાથે સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ગંદકી ફેલાવનાર તથા પ્રતિબંધીત પ્લાસ્ટિક વેચનાર સામે કડક ઝુંબેશ પણ ચાલી રહી છે. પરંતુ ભાવનગરના નગરજનોનો સહકાર અને ઉત્તમ યોગદાન વગર સ્વચ્છતાની આ હરિફાઇમાં અગ્રહરોળમાં આવવું ભાવનગર માટે મુશ્કેલ છે. ત્યારે મ્યુ.તંત્રની મહેનત સાથે લોકોની જાગૃતિ પણ તેટલી જ જરૂરી છે. ભાવનગરનો ક્રમાંક જેટલો આગળ આવશે એટલી જ ગ્રાંટની રકમ વધુ મળી શકશે.
સ્વચ્છતામાં ભાવનગરનો ક્રમ આજની તારીખે 47મો છે તેને વધુમાં વધુ આગળ લઇ જવો એ નગરજનોના હાથમાં છે! શહેરની સ્વચ્છતા અંગેની સર્વેક્ષણની ટીમ આજે ભાવનગર આવી પહાેંચી હતી અને ડોકયુમેન્ટસ મેળવી તેની ચકાસણી હાથ ધરી હતી. જ્યારે 10મીએ હવે શહેરના જુદા-જુદા વિસ્તારો ફરીને ટીમના સભ્યો સ્વચ્છતા અંગે રૂબરૂ અભ્યાસ કરશે અને તેના આધારે આગામી દિવસોમાં ભાવનગરનો સ્વચ્છતાનો ક્રમાંક નકકી થશે તેમ મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગના ઇજનેર રાજેશ શુકલાએ જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL