૧૨૦ બોગસ લાયસન્સ ઈશ્યુ કરનાર ચારની થયેલી ધરપકડ

July 19, 2019 at 8:14 pm


વસ્ત્રાલ આરટીઓમાંથી ખોટી ૧૨૦ જેટલી બેકલોગ એન્ટ્રી કરી બોગસ લાયસન્સ ઈશ્યુ કરનાર ચાર શખ્સની અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે ધરપકડ કરી છે. ચાર આરોપીઓની ધરપકડ અને સમગ્ર કૌભાંડને લઇ આરટીઓ વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને અને સુભાષ બ્રીજ ખાતેની મેઇન આરટીઓ કચેરીમાં આ સમાચારને લઇ ભારે ચર્ચા જાગી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ૨૦૧૮ની નાતાલની રજા દરમ્યાન વસ્ત્રાલ આરટીઓમાં સારથી ૪ સોફ્‌ટવેરમાં ચેડાં કરી ૧૨૦ જેટલી બેકલોગ એન્ટ્રી કરી બોગસ લાયસન્સ ઇશ્યુ થયા હતા. જેમાં સાયબર ક્રાઈમની ટીમે જીગ્નેશ ઉર્ફે લાલો હરેશ મોદી (અમદાવાદ), ગૌરવ હાપવડીયા (જામનગર), સંદિપ દામજીભાઈ મારકણા (જામનગર) અને સંકેત મનસુખભાઈ રફાળીયા (અમદાવાદ)ની ધરપકડ કરી છે. આરોપી ગૌરવ આરટીઓને લગતું કામ કરે છે. બેકલોગ એન્ટ્રીનો જાણકાર હોઇ પોલેન્ડથી સ્પાયવેરની પેન ડ્રાઈવ મંગાવી જીગ્નેશને આપી હતી. જીગ્નેશે આ પેન ડ્રાઈવ આરટીઓમાં કામ કરતા અધિકારીના કોમ્યુટરમાં નાખી યુઝર આઈડી પાસવર્ડ લઈ લીધો હતો.

બાદમાં ગૌરવને મોકલી આપતો હતો. ગૌરવ જામનગરથી બેકલોગમાં એન્ટ્રી કરી અને જીગ્નેશ અને સંકેત પાસે લાયસન્સની અરજી કરાવતો હતો. ટુ વહીલર, થ્રી વહીલર સહિત લાયસન્સ માટે રૂ.૬૫૦૦થી ૨૦,૦૦૦ સુધીની રકમ લાયસન્સ કઢાવનાર પાસે આરોપી પડવાતા હતા. આ સમગ્ર કૌભાંડને લઇ હવે પોલીસે તપાસ તેજ બનાવી છે અને આગામી દિવસોમાં સમગ્ર પ્રકરણમાં ચોંકાવનારી વિગતોનો ખુલાસો થાય તેવી શકયતા છે.

Comments

comments