૭૫ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ૧૮૦૦થી વધુ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા

February 3, 2018 at 12:09 pm


ગુજરાતના ૩૩ જિલ્લાની ૭૫ નગરપાલિકાની સામાન્ય અને અન્ય પાલિકાઓની પેટા ચૂંટણીઓ માટે આજે ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ છે. ૨૧૧૬ બેઠકો માટે ભાજપે શુક્રવાર બપોર સુધીમાં ૧૮૦૦થી વધુ ઉમેદવારોને જિલ્લા સ્તરેથી મેન્ડેટ આપી દીધા છે. જ્યારે બાકીના ઉમેદવારોને શુક્રવાર મોડી રાત સુધીમાં અથવા શનિવાર સવાર સુધીમાં મેન્ડેટ આપી દેવાની સૂચના અપાઇ ગઇ છે.

વિધાનસભાની ચૂંટણી પછી ૧૪૨૩ ગ્રામ પંચાયતો, ૭૫ પાલિકા, બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતો તેમજ તેની હેઠળ આવતા ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાનાર છે. આ તમામ ચૂંટણીઓ અલગ અલગ સમયે યોજાવાની છે. પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ માટે સ્થાનિક ચૂંટણી પહેલો પડકાર છે. જ્યારે કોંગ્રેસ માટે વધુ સારો દેખાવ કરવાની મોટી તક છે, તેમ કહી સૂત્રો ઉમેરે છે કે, ગ્રામ પંચાયતોમાં રાજકીય પક્ષોના જ કાર્યકરો હોય છે, પણ પક્ષના ચિન્હ વગર તેઓ લડતા હોય છે. જ્યારે બાકીની ચૂંટણી પક્ષના ચિન્હ પર લડવામાં આવનાર છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે ૭૫માંથી ૪૨ પાલિકા નાગરિક સમિતિના નેજા હેઠળ લડી હતી, પણ એ ચૂંટણીમાં ભાજપ કુલ ૫૯ પાલિકા પર કબજો મેળવી શક્યો હતો. જ્યારે ૧૭ તાલુકામાંથી ૧૨ ભાજપ અને ૫ કોંગ્રેસના કબજામાં આવી હતી. બનાસકાંઠા અને ખેડા જિલ્લામાં કોંગ્રેસને ટેકનિકલી સત્તા મળી હતી, પરંતુ પાછળથી કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ બળવો કરી ભાજપનું સમર્થન મેળવી લીધું હતું. આમ, વિધાનસભાની ચૂંટણીમાં થયેલા ભાજપના ધોવાણ પછી સ્થાનિક ચૂંટણી પર સૌની નજર છે. આ ચૂંટણીમાં જનતાના મૂડના આધારે ૨૦૧૯ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારનો મૂડ સ્પષ્ટ થશે.

સૂત્રો કહે છે કે, ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં યુવાનોમાં બેરોજગારી, મોંઘા શિક્ષણ તેમજ ખેડૂતોને પડતી પારાવાર મુશ્કેલીના કારણે ભારે રોષ છે. દરેક વિસ્તાર, જિલ્લા, તાલુકામાં ભાજપ કોંગ્રેસ માટે અલગ અલગ સ્થિતિ હોવાથી અગાઉ સ્થાનિક ચૂંટણીઓ, પેટા ચૂંટણીઓમાં ભાજપને વધારે બેઠકો સાથે જીત મળી હતી, એવા પરિણામ આવે તેના માટે પ્રદેશ સ્તરથી ભારે પ્રયાસો થઇ રહ્યા છે. ભાજપે એકસો જેટલા આગેવાનોને જિલ્લા, તાલુકા પંચાયતો તેમજ પાલિકાની ચૂંટણીઓ માટે જવાબદારીઓ સોંપી છે. પણ ભાજપ માટે સ્થિતિ સત્તા સામે સ્થાનિક નારાજગીની છે.

Comments

comments

VOTING POLL