૮૬ વર્ષના વૃદ્ધના કોરા ચેકની ચોરી થઈ અને ખાતામાંથી ત્રણ કરોડ ટ્રાન્સફર થયા

February 2, 2018 at 12:49 pm


ઢાલગરવાડમાં રહેતા ૮૬ વર્ષના વૃદ્ધે વેચેલી જમીનના સાડા ત્રણ કરોડ રૂપિયા તેમણે બેન્કમાં ભર્યા હતા. આ પૈકી કોઈએ તેમના ઘરની તિજોરીનો નકુચો તોડી અંદરથી નવ કોરા ચેકની ચોરી કરી ત્રણ કરોડ રૂપિયાનો ચેક ભરી દીધો હતો. આ ચેક તલોદની એક કંપનીના નામે ભરાયો હતો જે કંપનીને તે ઓળખતા પણ નથી. કારંજ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

ઢાલગરવાડમાં રહેતા જાફરહુસૈન મન્સુરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમના પરિવારમાં ચાર દીકરા છે જે પૈકી એક ઘણા સમયથી અમેરિકામાં રહે છે. જ્યારે ત્રણ પૈકી યાસીનભાઈ એક વર્ષથી વિસ્તારમાં જ અલગ રહે છે. જ્યારે અન્ય બે દીકરા ઉસ્માનભાઈ (ઉં.૫૬) અને રમઝાનભાઈ (ઉં.૪૫) તમામ સંયુક્ત કુટુંબમાં રહે છે. ગત વર્ષે એપ્રિલમાં જાફરહુસૈનભાઈ મન્સુરીએ વેજલપુર ખાતે આવેલી ભાગીદારીવાળી જમીન વેચી હતી. જમીન પેટે આવેલા ૩.૫૦ કરોડ રૂપિયા ચેકથી એસબીઆઈમાં જમા કરાવ્યાં હતા. આ સમયે બેન્કમાં પોણા ચાર કરોડ રૂપિયા જેટલું ફંડ હતું. ત્યારબાદ ૧૧ જાન્યુઆરીએ તેમનો દીકરો ઉસ્માનભાઈ બેન્કમાં પાસબૂક અપડેટ કરાવવા પહોંચ્યો ત્યારે ૭૫ લાખ જેટલું બેલેન્સ એકાઉન્ટમાં હતું. ત્રણ કરોડ રૂપિયા ચેકથી ઉપડી ગયા હતા. બેન્કમાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે તલોદની કાલીન્દ્રી આર્કેડ નામની કંપનીમાં તેમનો ચેક ભરાઈ ગયો છે. જાફરહુસૈનભાઈએ બેન્ક પાસે ચેકની કોપી માંગતા તેમાં તેમની ખોટી સહી પણ કરેલી હતી. જેથી જાફરહુસૈનભાઈએ ઘરે આવી તપાસ કરતા તેમના ઘરના ઉપરના માળે આવેલી તિજોરીનો નકુચો તૂટેલો હતો અને ચેકબૂકમાંથી કોરા નવ ચેક ચોરી થયેલા હતા.

બેન્કમાંથી એલર્ટ મેસેજ કે કન્ફર્મેશન કોલ પણ ન આવ્યો !

જાફરહુસૈનભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, બેન્કમાં તેમના એકાઉન્ટમાં થતા વ્યવહારના એલર્ટ માટે તેમના દીકરાનો મોબાઈલ નંબર આપેલો છે. આમ છતાં ત્રણ કરોડ રૂપિયા ચેકથી રૂપિયા ટ્રાન્સફર થયા ત્યારે મેસેજ પણ આવ્યો ન હતો અને બેન્કમાંથી કન્ફર્મેશન માટેનો કોલ પણ આવ્યો ન હોતો.

Comments

comments

VOTING POLL