10 કરોડ પરિવારના 50 કરોડ લોકોને વાર્ષિક પાંચ લાખનો આરોગ્ય વીમો

February 1, 2018 at 3:20 pm


કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ આજે દેશની ૪૦ ટકા વસતીને આરોગ્ય ક્ષેત્રે લાભ મળે તેવા આરોગ્ય વિમાની જાહેરાત કરી છે. નાણામંત્રીની આ જાહેરાત મુજબ દેશના ૧૦ કરોડ પરિવારના ૫૦ કરોડથી વધુ લોકોને તેનો લાભ મળશે.
નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ (રાષ્ટ્ર્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના)ની જાહેરાત કરતાં અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત દેશના ૧૦ કરોડ પરિવારના અંદાજે ૫૦ કરોડથી વધુ લોકોને વાર્ષિક પાંચ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો પ્રા થશે. દેશની કુલ વસતી ૧.૩૦ અરબમાંથી ૪૦ ટકા લોકોને તેનો લાભ મળશે.
દુનિયાનો સૌથી મોટો હેલ્થકેર પ્રોગ્રામ હોવાનો દાવો કરતાં અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે આ યોજનામાં સમાવિષ્ટ્ર લોકોને રૂા.૫ લાખ સુધીના ઈલાજમાં કોઈ ખર્ચ કરવો નહીં પડે અને સરકાર સંપૂર્ણ ખર્ચ ભોગવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે ગરીબ અને દુ:ખી પરિવારો પ્રત્યે પાંચ લાખ રૂપિયાની આરોગ્ય સહાય આપી શકીએ છીએ તે આનંદની બાબત છે. હોસ્પિટલમાં દાખલ થયેલાઓને આ લાભ મળશે. હાલ રાષ્ટ્ર્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ ગરીબ પરિવારોને રૂા.૩૦ હજારનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવતો હતો પરંતુ નવી યોજનામાં તે વધારીને રૂા.૫ લાખ સુધી કરવામાં આવેલ છે.
સ્વાસ્થ્ય વીમા ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે નાણામંત્રી અનેક મહત્ત્વની જાહેરાતો કરી છે જે મુજબ ૨૦૧૮–૧૯ના બજેટમાં આયુષ્યમાન ભારત કાર્યક્રમ હેઠળ રૂા.૧૨૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ટીબીના દર્દીઓ માટે અરૂણ જેટલીએ કરેલી જાહેરાત મુજબ આવા દર્દીઓને પોષણક્ષમ આહાર ઉપલબ્ધ કરાવવા માટે રૂા.૬૦૦ કરોડની બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ટીબીના દર્દીને દર મહિને રૂા.૬૦૦ની આર્થિક સહાય પણ કરવામાં આવશે.
આરોગ્ય સેવાનું ફલક વધારવા અને દેશમાં તબીબોની ખોટ ઓછી કરવા માટે વધુ ૨૪ મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત અરૂણ જેટલીએ કરી હતી અને જણાવ્યું હતું કે પ્રત્યેક ત્રણ સંસદીય મત વિસ્તારદીઠ એક મેડિકલ કોલેજની સુવિધા ઉપલબ્ધ કરાશે.

Comments

comments

VOTING POLL