10 ટકા ડિસ્કાઉન્ટ આેફર છતાં શેર્સના ‘લેવાલ’ ન નીકળ્યાંઃ હવે ઈન્કમટેકસ ડિમેટ કરાવશે

December 4, 2018 at 3:32 pm


20 વર્ષ જુનો ટેકસ વસુલ કરવા આજે ઈન્કમટેકસ વિભાગે શેરની હરાજી કરી હતી પરંતુ એકપણ ‘લેવાલ’ ન નીકળતા અંતે હવે ડીપાર્ટમેન્ટ આ તમામ શેરને ડીમેટ કરાવવાની જટીલ પ્રક્રિયા હાથ ધરશે. રાજકોટ ઈન્કમટેકસ વિભાગે અગાઉ સોના-ચાંદીની હરાજી કરી ડીમાન્ડની રકમ વસુલી હતી. ત્યાર બાદ આજે સર્ચ દરમિયાન શેર બજારના ધંધાર્થીને ત્યાંથી જપ્ત કરેલા શેર વેચવા મુકયા હતા પરંતુ આ ફીઝીકલ શેર ખરીદવા કોઈએ રસ ન દાખવતા અંતે હવે ઈન્કમટેકસ વિભાગ ડીમેટ પ્રક્રિયા હાથ ધરી આ શેર વેચવા મુકશે. જો કે, આ તમામ પ્રક્રિયામાં સમય પણ લાગશે તેવું તજજ્ઞોએ જણાવ્યું હતું.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ નર્મદા પાર્કમાં રહેતા બી.એન.પટેલને ત્યાં 20 વર્ષ પહેલા દરોડા પાડયા હતા. જયાંથી જપ્ત કરાયેલ દસ્તાવેજમાં 20 કંપનીના શેર પણ હતા. તાજેતરમાં કરદાતા બી.એન.પટેલે ઈન્કમટેકસ વિભાગને વિનંતી કરી હતી કે, આ શેર વેચીને જુનો ટેકસ વસુલવામાં આવે. જેને આધારે આઈટી વિભાગે 73 કંપનીના શેર વેચવા માટે મુકયા હતા. આજની તારીખે આ 73માંથી 23 સ્ક્રીપ્ટ જ ટ્રેડીગમાં રહી હતી. બાકી ડી-લીસ્ટેડ હોય હરાજીમાંથી બાકાત રહી હતી.

આજે સવારે 11 વાગ્યે શેર વેચવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં પ્રિન્સીપાલ કમિશનર અજીતકુમાર સિન્હા, જોઈન્ટ કમિશનર ઉષા શ્રાેફે ઈન્કમટેકસ અધિકારી ચેતન કાચા તેમજ ટેકસ રીકવરી અધિકારી ટીનવાલાની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ હરાજીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એકસચેંજના ડાયરેકટર સુનીલ શાહ, હસમુખ બલદેવ તથા સ્ટોક બ્રાેકરો હાજર રહ્યા હતા. સવારે 11 કલાકે માર્કેટ ભાવથી 10 ટકા ડીસ્કાઉન્ટ સાથે શેર વેચવા મુકવામાં આવ્યા હતા પરંતુ એકપણ વ્યકિતએ રસ ન દાખવતા અંતે હવે ઈન્કમટેકસ વિભાગ જે તે કરદાતાના નામે ડીમેટ કરાવી શેરને વેચી જુનો ટેકસ વસુલશે.

સવારે 11 કલાકે 23 સ્ક્રીપ્ટના રૂા.76,050 કટઆેફ પ્રાઈઝ

ઈન્કમટેકસ વિભાગે 73 કંપનીના શેર વેચવા મુકયા ત્યારે માત્ર 23 સ્ક્રીપ્ટ જ ટે²ડીગમાં હતી આથી સવારે 11 કલાકે સ્ટોક માર્કેટમાં આ 23 કંપનીના જે ભાવ હતા તે મુજબ ઈન્કમટેકસ વિભાગે રૂા.76,050 કટઆેફ પ્રાઈઝ મુકી હતી. જેમાં 10 ટકા ડીસ્કાઉન્ટ સાથે 68,450 ભાવે શેર વેચવા મુકયા હતા.

નિયમ મુજબ ઈન્કમટેકસ પોતે ડીમેટ કરાવશે

આજે હરાજીની પ્રક્રિયા નિષ્ફળ જતાં ઈન્કમટેકસ વિભાગ 1961ના શેડયુલ્ડ-ટુના નિયમ 46ની જોગવાઈ મુજબ ડીપાર્ટમેન્ટ પોતે કરદાતા એટલે કે, બી.એન.પટેલના નામે ડીમેટ એકાઉન્ટમાં ફીઝીકલ શેર ડીમેટ કરી બજાર ભાવે વેચશે અને જુનો ટેકસ વસુલશે.

હજુ 35 લાખની ડિમાન્ડ ઉભી રહી

અગાઉ જુના ટેકસ વસુલાત માટે સોના-ચાંદીની હરાજીમાં આવકવેરા વિભાગને સફળતા મળી હતી પરંતુ શેર વેચવામાં કોઈ લેવાલ ન નીકળતા હવે આ શેરને હજુ ડીમેટમાં ટ્રાન્સફર કરવાથી લઈ માર્કેટમાં વેચવા સુધીની જટીલ અને ગુંચવણવાળી પ્રક્રિયા ઈન્કમટેકસ વિભાગ હાથ ધરશે. જો કે, તેમાં પણ સમય લાગશે તેવંુ તજજ્ઞોએ જણાવ્યું હતું. આથી મુદલ રકમ તથા વ્યાજ સહિત રૂા.35.89 લાખ હજુ કરદાતાને ચુકવવાના છે તે ડીમાન્ડ ઈન્કમટેકસની ઉભી રહી છે.

Comments

comments

VOTING POLL