2040 સુધીમાં દુનિયાભરમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં 53%નો થશે વધારો

May 14, 2019 at 5:22 pm


ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં કેન્સરના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેન્સરની સારવાર કરનાર આશરે 1 લાખ ડોકટરોની પણ જરૂર પડશે. તાજેતરમાં થયેલા એક નવા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે.

પ્રતિષ્ઠિત જર્નલ ‘લેન્સેટ ઓન્કોલોજી’માં પ્રકાશિત થયેલા એક તાજેતરના અભ્યાસમાં જણાવાયું છે કે, વર્ષ 2018થી 2040 સુધીમાં દર વર્ષે કીમોથેરપી કરાવનારા દર્દીઓની સંખ્યા 53 ટકાના વધારા સાથે 98 લાખથી 1.5 કરોડની વચ્ચે થઈ જશે. રાષ્ટ્રીય, પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે કીમોથેરપીના અભ્યાસમાં આ પ્રકારની ગણતરી પ્રથમ વખત કરવામાં આવી છે.

સિડનીમાં યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલિયાની ઈન્ગહેમ ઈન્સ્ટિટ્યુટ ફોર અપ્લાઇડ મેડિકલ રિસર્ચ, કિંગહોર્ન કેન્સર સેન્ટર, લીવરપૂલ કેન્સર થેરપી સેન્ટર અને ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરના સંશોધકોએ મળીને આ અભ્યાસ કર્યો છે. યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ (UNSW)ની સંશોધક બ્રુક વિલ્સનના જણાવ્યા અનુસાર, ‘દુનિયાભરમાં કેન્સરનું વધી રહેલું જોખમ આજના સમયમાં આરોગ્યના ક્ષેત્રનું સૌથી મોટું સંકટ છે. વર્તમાન અને ભવિષ્યના દર્દીઓની સુરક્ષિત સારવાર માટે વૈશ્વિક આરોગ્ય કર્મચારીઓ તૈયાર કરવા પડશે અને તેના માટે ઝડપી વ્યૂહરચના બનાવવાની જરૂર છે.’

Comments

comments