300 નવી સરકારી પોલિટેકનિક પૈકી 05 ગુજરાતમાં સ્થપાશે: નર્મદા, તાપી, જુનાગઢ, ખેડા, અને નવસારી જિલ્લામાં નવી પોલિટેકનિક સ્થપાશે

July 27, 2018 at 10:53 am


કેન્દ્ર સરકાર દેશમાં 300 નવી સરકારી પોલિટેકનિકનો પ્રારંભ કરી રહી છે, જેમાંથી ગુજરાત રાજયમાં 05 નવી પોલિટેકનિકનો પ્રારંભ થશે. નવી સરકારી પોલિટેકનિક રાજયના નર્મદા, તાપી, જુનાગઢ, ખેડા, અને નવસારી જિલ્લામાં સ્થપાશે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં નવી પોલિટેકનિક માટે રૂ.32.12 કરોડના અનુદાનની ફાળવણી કરી દેવામાં આવી છે. અત્યારે દેશમાં 3719 સરકારી પોલિટેકનિક અસ્તિત્વમાં છે, જેમાંથી 132 ગુજરાતમાં આવેલી છે. કેન્દ્રીય કૌશલ્ય સંવર્ધન અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી શ્રી અનંતકુમાર હેગડે દ્વારા આ માહિતી રાજયસભામાં તા. 25 જુલાઈ 2018 ના રોજ રાજસભા સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.

મંત્રીશ્રીના નિવેદનમાં જણાવ્યા અનુસાર, 11 મી પંચવર્ષિય યોજના દરમ્યાન “નવી પોલિટેકનિક સ્થાપના” યોજના અંતર્ગત “સબમિશન ઓન પૉલીટેક્નિક્સ અન્ડર કોર્ડિનેટેડ એકશન્સ ફોર સ્કીલ ડેવલપમેન્ટ” નું આયોજન કરવામાં આવેલું હતું. વર્ષ 2017 માં આ યોજનાને માનવસંસાધન મંત્રાલય તરફથી કૌશલ્ય સંવર્ધન અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયને સોંપવામાં આવી હતી.

શ્રી નથવાણી દેશમાં કુલ કેટલી સરકારી પોલિટેકનિકો આવેલી છે, અને સરકાર દ્વારા રાજયવાર કેટલી નવી પોલીટેકનિકો શરૂ કરવાની વિચારણા છે? અને તેમાટે કેટલી રકમ ની ફાળવણી કરવામાં આવી છે તે અંગે જાણવા માંગતા હતા.

નિવેદન માં જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા ઝારખંડ રાજયમાં પણ નવી 17 સરકારી પૉલિટેકનિક સ્થપાશે. ઝારખંડમાં ગઢવાલ, સાહિબગંજ, પાકુર, ગુમલા, હઝારીબાગ, ગિરિડીહ, દેવઘર, ગોડ્ડા, લોહરદગા, પશ્ચિમી સિંઘભૂમ, ચતરા, પલામુ, જામતારા, રામગઢ, ખૂંટી, સીમડેગા, અને દુમકા જિલ્લાઓમાં નવી પૉલિટેક્નિકો સ્થપાશે, જેના માટે સરકાર દ્વારા રૂ 125.35 કરોડના અનુદાનની ફાળવણી કરી દેવામાં આવી છે.

મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારને એકવખતની આર્થિક સહાય યોજના અંતર્ગત પ્રતિ પૉલિટેકનિક રૂ.12.30 કરોડનું અનુદાન આપવામાં આવે છે. નવી પોલિટેકનિક દેશનાં 300 અપૂરતી સેવા ધરાવતા અથવા સેવા નહિં ધરાવતા જિલ્લાઓમાં સ્થપાશે.

નિવેદનમાં જણાવ્યા અનુસાર, સૌથી વધુ સરકારી પોલિટેકનિકો જે રાજયોમાં ફાળવાયા છે, તેમાં ઉત્તરપ્રદેશ માં 41 અને બિહાર માં 34 છે.

Comments

comments

VOTING POLL