ગોવાના બે કૌભાંડકારોને દુબઈ કોર્ટે ફટકારી 500 વર્ષની જેલ

April 11, 2018 at 10:51 am


જવલ્લે જ બનતી ઘટનામાં દુબઈની એક અદાલતે ગોવાના એક બિઝનેસમેન કમ ફૂટબોલર અને તેના એકાઉન્ટન્ટને હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરવાના ગુનામાં 500 વર્ષની જેલસજા ફટકારી છે. ગોવાના રહેવાસી 37 વર્ષીય સીડની લિમોસ અને તેના એકાઉન્ટન્ટ 25 વર્ષના રેયાન ડિસોઝા ઉપર 200 મિલિયન ડોલરનું કૌભાંડ આચરવાનો આક્ષેપ મુકાયો હતો. આ બન્નેએ ભેગા મળીને રોકાણકારોને વાર્ષિક 120 ટકા વળતરની લાલચ આપી હતી. આ બન્ને કૌભાંડકારો જુદા જુદા રોકાણકારોને 25 હજાર ડોલરનું રોકાણ કરવા માટે લલચાવતાં હતા અને જંગી વળતરની લાલચ આપતાં હતા.
સિડની લિમોસ એક જુનિયર ફૂટબોલર છે અને તેણે 2015માં એફસી ગોવા ક્લબની ટીમને સ્પોન્સર કરી હતી. તે દુબઈમાં એફસી બાર્ડેઝ ક્લબની માલિકી પણ ધરાવે છે. આ ફૂટબોલરે ખાસ કરીને નિવૃત્ત થયેલા લોકોની મરણમૂડીનું રોકાણ કરવા માટે લાલચ આપી હતી અને પોતાની પોન્ઝી સ્કીમમાં ફસાવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રારંભમાં આ કંપ્નીએ કેટલાક લોકોએ સારું વળતર પણ ચૂકવ્યું હતું પરંતુ માર્ચ 2016માં કેટલાક ગોટાળાઓને કારણે આ સ્કીમનું ધોવાણ થઈ ગયું હતું અને રોકાણકારોને વળતર ચૂકવવાનું બંધ કરવામાં આવ્યું હતું. આ ઘટના સામે આવ્યા પછી દુબઈના આર્થિક મંત્રાલયે જુલાઈ-2016માં કંપ્નીની દુબઈની ઓફિસ બંધ કરી દીધી હતી. દુબઈમાં લિમોઝની પત્ની વેલાની ઉપર ગત ડિસેમ્બરમાં દુબઈ પોલીસે સીલ કરેલી ઓફિસમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને કેટલાક દસ્તાવેજો લઈ જવા સંદર્ભે ગુનો નોંધ્યો હતો.
ગોવાના માપુસા ખાતે રહેતાં લિમોસની ડિસેમ્બર-2016માં સૌપ્રથમ વખત ધરપકડ થઈ હતી પરંતુ ત્યારબાદ તે જામીન ઉપર છૂટી ગયો હતો. આ પછી જાન્યુઆરીમાં ફરી વખત તેની ધરપકડ થઈ હતી. આ મામલામાં દુબઈ પોલીસે સીઓલિમના રહેવાસી રેયાનની દુબઈ એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી હતી. આ સમયે રેયાન ભારત ભાગી જવાની વેંતરણમાં હતો. લેમોઝની પત્ની વેલાની ગોવા ભાગી જવામાં સફળ થઈ હતી. વેલાનીએ સમાચાર માધ્યમોને કહ્યું છે કે તેનો પત્ની સિડન તેના રોકાણકારોને વાસ્તવમાં મદદ કરવા ઈચ્છે છે પરંતુ આ માટે તેને જેલની બહાર આવવું જરી છે. તેની પાસે ચોક્ક્સ પ્લાન પણ છે અને આ પ્લાન દ્વારા તે રોકાણકારોના નાણાં પરત આપી શકે તેમ છે.
દુબઈમાં લિમોઝની સામે 513 જેટલા ગુનાઓ દાખલ થયા છે અને તેને કારણે તેને દુબઈની કોર્ટે આવી સજા ફટકારી છે.

Comments

comments