ગાંધીનગર જીમખાનામાં ક્લાસ-૧ અધિકારીઓ માટે 10 હજાર અને નાગરિકો માટે 5 લાખની ફી
ગાંધીનગર જીમખાનામાં ક્લાસ-૧ અધિકારીઓ માટે 10 હજાર અને નાગરિકો માટે 5 લાખની ફી
September 28, 2026 11:07 AM
નાગરિકોના ટેક્સના 40 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ગાંધીનગર સેક્ટર-19 જીમખાનાના વહીવટમાં વીઆઇપી કલ્ચર સામે આવતાં ભારે રોષ ફેલાયો છે. સામાન્ય વહીવટ વિભાગના સત્તાવાર જીઆર (સરકારી પરિપત્ર) મુજબ, જીમખાનાની મેમ્બરશીપ ફીમાં મોટો વર્ગભેદ ઊભો કરવામાં આવ્યો છે.નવા નિયમો અનુસાર, આઈએએસ અને ક્લાસ-૧ અધિકારીઓ માટે લાઈફટાઇમ મેમ્બરશિપ ફી માત્ર ૧૦,૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે સામાન્ય નાગરિકો અને નીચલી કેડરના અધિકારીઓ માટે આ જ ફી વધીને ૫ લાખ રૂપિયા અને કોર્પોરેટ સંસ્થાઓ માટે ૭૫ લાખ રૂપિયા (જેમાં ૪ કાર્ડ મળશે) નિર્ધારિત કરાઈ છે.આ પક્ષપાતી વ્યવસ્થા અને ઊંચી ફીના કારણે અગાઉ રોજ સ્વિમિંગ માટે આવતા ૭૦૦થી ૭૫૦ જેટલા સામાન્ય નાગરિકો અને તેમના બાળકો આ સુવિધાથી વંચિત થઈ ગયા છે. આ મામલે ગાંધીનગરના જાગૃત નાગરિક સાગર સોનીએ આરટીઆઈ દ્વારા માહિતી માંગતા સરકારી જીઆરના આધારે લેવાયેલા આ ભેદભાવભર્યા નિર્ણયો બહાર આવ્યા હતા. જાહેર નાણાંથી ઊભી થયેલી સુવિધાઓમાં અધિકારીઓ માટે નજીવી ફી અને સામાન્ય પ્રજા માટે લાખો રૂપિયાની ફી રાખવાની આ નીતિ સામે નાગરિકોમાં ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.