BREAKING NEWS

રાજકોટમાં તબીબ વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 58.50 લાખ પડાવ્યા, ચાર દિવસ સાયબર ગઠિયાઓેએ બાનમાં રાખ્યા

  • October 01, 2026 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટનો બનાવ સામે આવ્યો છે. જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા વૃધ્ધાને સાયબર ચીટરોએ પોલીસ અન ક્રાઇમ બ્રાંચની ઓળખ આપી તેમને ડિજિટલ અરેસ્ટ કરી રૂ.૫૮.૫૦ લાખ પડાવી લીધા હતાં. જે અંગેની જાણ થતા ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલા શહેરના એક તબીબ વૃધ્ધાની મદદ માટે તાકીદે પોલીસે પહોંચી હતી. વૃધ્ધા આ ઠગ ટોળકીને વધુ રૂ.૨૧.૫૦ લાખ ટ્રાન્સફર કરતા અટકાવ્યા હતાં.

પોલીસે સમય સૂચકતા વાપરીને વધુ મોટી રકમ ગુમાવતા બચાવી લીધા છે. છેતરપિંડી કરનારાઓએ આ મહિલા ડોક્ટરને ડરાવી-ધમકાવીને છેલ્લા ચાર દિવસથી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા અને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા, પરંતુ સાયબર ક્રાઇમની ટીમની સમય સુચકતાથી વધું લાખો રૂપિયા ગુમાવતા વૃધ્ધાને બચાવી કાઉન્સેલિંગ કરી ભય મુક્ત કર્યા હતાં.

રાજકોટ શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં આવેલ રાજ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા એક તબીબ વૃધ્ધા સાયબર ચીટરોની જાળમાં ફસાયા હતા. બહારના રાજ્યની પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી તેમને ડરાવીને છેલ્લા ચાર દિવસથી 'ડિજિટલ એરેસ્ટ' કરી રાખ્યા હતા. આ સમય દરમિયાન આ શખસોએ વૃધ્ધા પાસેથી અલગ-અલગ બહાને કુલ ૫૮.૫૦ લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી.

દરમિયાન રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈ એ. દેશાણીને એવી માહિતી મળી હતી કે, વૃધ્ધા ડીજીટલ એરેસ્ટ થયાં છે માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ તાત્કાલિક મહિલા ડોક્ટરના ઘરે પહોંચી હતી.

પોલીસ ઘરે પહોંચી ત્યારે તેઓ ભારે ભયભીત હતા અને માનસિક તણાવમાં હતા અને પોતે મોબાઈલમાં સાયબર માફિયા સાથે વાત કરતાં હતા અને પોતે એરેસ્ટ હોવાનું જણાવ્યું હતું. પોલીસે સૌપ્રથમ તેમને હિંમત આપી અને તેમનું યોગ્ય કાઉન્સિલિંગ કર્યું હતું. પોલીસની સમજાવટ બાદ મહિલા ડોક્ટર ડિજિટલ એરેસ્ટના ખોટા ભયમાંથી બહાર આવ્યા હતા. પોલીસ સમયસર પહોંચી જવાને કારણે મહિલા ડોક્ટર દ્વારા સાયબર ઠગોને ટ્રાન્સફર કરવામાં આવી રહેલા વધુ ૨૧.૫૦ લાખ અટકી ગયા હતા.

આ કામગીરીમાં ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પીઆઈ એસ.ડી. ફુલતરીયા, પી.આર.ડોબરીયા, એમ.ડી. ગઢવી, પીએસઆઇ એસ.વી. ભાયાણી સહિતની ટીમ સાથે જોડાઈ હતી.

પોલીસે વધુ એક વખત અપીલ કરી છે કે, જો તમને પણ આવો કોઈ અજાણ્યો કે ધમકીભર્યો વીડિયો કોલ આવે, તો ગભરાવાને બદલે સાવચેતી રાખો. અજાણ્યા નંબર પરથી આવતા આવા ડરામણા કોલનો જવાબ ન આપો અને વાતચીત બંધ કરો. કોઈ પણ સરકારી અધિકારી ક્યારેય ફોન પર નાણાંની માંગણી કે બેંક ખાતાની વિગતો માંગતા નથી. જો કોઈ એજન્સીનું નામ લેવામાં આવે, તો સત્તાવાર વેબસાઈટ પર જઈને તેમના હેલ્પલાઈન નંબર પર વેરિફિકેશન કરો. જો તમે આવી કોઈ જાળમાં ફસાઈ જાઓ, તો સમય બગાડ્યા વિના સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application