BREAKING NEWS

રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ભાજપના 11 ઉમેદવારના નામ જાહેર, જુઓ કોની પસંદગી કરાઈ

  • September 30, 2026 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી માટે ભાજપ દ્વારા ૧૧ ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. હવે કોંગ્રેસ દ્વારા એક ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ભાજપ દ્વારા બાર પૈકી ૧૧ સભ્યો મેદાનમાં ઉતારવામાં આવતા ચૂંટણી બિન હરીફ થવાની પ્રબળ શક્યતા છે.

શિક્ષણ સમિતિની ચૂંટણી માટે આજે સવારે ૧૧થી બપોરે બે વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા તમામ ૧૧ ઉમેદવારો આ સમયગાળા દરમિયાન પોતાનાં ઉમેદવારી ફોર્મ રજૂ કરશે.

ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં કપિલભાઈ લલિતભાઈ નથવાણી, હર્ષિત પ્રહલાદભાઈ કાવર, વિરેન્‍દ્રભાઈ હર્ષદભાઈ ભટ્ટ, યોગરાજસિંહ મોહનસિંહ જાડેજા, હરેશભાઈ મૂળજીભાઈ કાનાણી, ડૉ. તૃષીબેન ઋષિકેશ શુક્લ, કલ્પનાબેન રમેશભાઈ કિયાડા, કૃપલબેન (ડોલીબેન) કલીરભાઈ ટાંક, રાકેશ પિન્ટુભાઈ કિશોરભાઈ, કેયૂર રસીકલાલ મરડ અને પ્રવીણભાઈ ચાવડાનો સમાવેશ થાય છે.

હવે કોંગ્રેસ કોના નામ પર પસંદગી ઉતારે છે તેના પર સૌની નજર મંડાઈ છે. કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાદ શિક્ષણ સમિતિની ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ ૧૫ બેઠકમાંથી ૧૨ બેઠક માટે ચૂંટણી યોજાનાર છે જેમાં કોર્પોરેટરોના સંખ્યાબળ અનુસાર ભાજપના ૬૫ અને કોંગ્રેસના ૭ કોર્પોરેટર મળી કુલ ૭૨ કોર્પોરેટર છે. છ કોર્પોરેટરના મતથી શિક્ષણ સમિતિના એક સભ્ય ચૂંટાતા હોય છે, આ મુજબ ભાજપના ૧૧ સભ્ય ચૂંટાય અને કોંગ્રેસના એક સભ્ય ચૂંટાય. ભાજપે ૧૧ ઉમેદવાર જ જાહેર કરતા હવે બારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ તેવી પ્રબળ શક્યતા છે. કુલ ૧૫ સભ્યોના બોર્ડમાં અન્ય ત્રણ બેઠકો ક્વોલિફિકેશન, અનામત અને સરકારી પ્રતિનિધિની નિયુક્તિથી ભરાતી હોય છે.

રાજકોટના મ્યુનિ.વિપક્ષ કોંગ્રેસમાં શિક્ષણ સમિતિની એક બેઠક માટે ૨૫ જેટલા દાવેદારો હોય છેવટ સુધી નામ જાહેર કરી શકી નથી !



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application