BREAKING NEWS

રાજકોટ મ્યુ.કમિશનર સુમેરા રાત્રે બુલેટ લઇ ભક્તિનગર ગયા; સર્કલે બેસી કરાઓકે સિંગર્સને સાંભળ્યા

  • September 30, 2026 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ગત રાત્રે તેમના રામકૃષ્ણનગર સ્થિત બંગલો ખાતેથી રાત્રે ૧૦ વાગ્યે સેલ્ફ ડ્રીવન બુલેટ બાઇક ઉપર વોર્ડ નં.૧૪ના ઢેબર રોડ ઉપરના ભક્તિનગરમાં પહોંચ્યા હતા ત્યાં આગળ સર્કલ વિસ્તારની દુકાનોમાં સ્વચ્છતાનું ચેકિંગ કર્યું હતું તેમજ ભક્તિનગર સર્કલે રોજ રાત્રે મ્યુઝિકલ નાઇટ યોજતા કરાઓકે સિંગર્સ સાથે બેસીને ગીત સંગીતની મહેફિલ માણી હતી.

ભક્તિનગર સર્કલે આવેલી ચા-પાણીની હોટેલો, પાન અને કોલ્ડ્રિંક્સ તેમજ ખાણીપીણીની દુકાનો બહાર સ્વચ્છતા અંગે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું અને દુકાનદારોને સ્વચ્છતા જાળવવા તેમજ કચરાપેટી રાખવા તાકિદ કરી હતી. એક તબક્કે તો હેલ્મેટ પહેરીને બુલેટ ઉપર આવેલ વ્યક્તિ કમિશનર છે તેવો ખ્યાલ ન હોય અમુક લોકોએ તેમની સામે દલીલો કરી હતી પરંતુ ત્યારબાદ આવેલ વ્યક્તિ કમિશનર છે તેમ માલૂમ પડતા દુકાનદારો મૌન થઇ ગયા હતા.

સ્વચ્છતાના ચેકિંગ બાદ તેઓ ભક્તિનગર સર્કલ ખાતે દરરોજ મ્યુઝિકલ નાઇટ યોજતા કરાઓકે સિંગર્સ ગ્રુપના આમંત્રણને માન આપીને ત્યાં આગળ ગીત સંગીત સાંભળવા બેઠા હતા અને ઝૂમી ઉઠ્યા હતા. કમિશનરે ભક્તિનગર સર્કલ ખાતે ગીત સંગીત સાંભળવા આવેલા તેમજ દુકાનો બહાર ઓટલે તેમજ બાઇક ઉપર બેઠેલા તમામ શહેરીજનોને સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી તેમજ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે પ્રતિજ્ઞા પત્રો ભરાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application