BREAKING NEWS

કર્મચારીઓને પાંચ-પાંચ વર્ષ સુધી ફિક્સ પગારની અન્યાયી નીતિનો ભારે વિરોધ

  • September 30, 2026 09:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં સરકારી નોકરીમાં સીધી ભરતીથી પસંદગી પામતા કર્મચારીઓ માટે અમલી શરૂઆતના પાંચ વર્ષના ફિક્સ પગારની નીતિ ફરી એકવાર તીવ્ર વિવાદમાં આવી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે આ નીતિને યુવા વિરોધી ગણાવીને તેને તાત્કાલિક અસરથી રદ કરવા અને સામાન્ય વહીવટ વિભાગના વર્ષ 2006ના આ સંબંધેના ઠરાવ અને બાદના સુધારાઓની પુનઃસમીક્ષા કરવાની માંગ કરાઇ છે.
મહામંડળના જણાવ્યા અનુસાર, સામાન્ય વહીવટ વિભાગના વર્ષ 2006ના ઠરાવ હેઠળ શરૂ થયેલી આ નીતિ માત્ર પાંચ વર્ષના મર્યાદિત વેતન પૂરતી સીમિત નથી. તેના કારણે કર્મચારીની સમગ્ર કારકિર્દી દરમિયાન બઢતી, ઉચ્ચત્તર પગારધોરણ, રજાના હક્કો, સામાજિક સુરક્ષા અને નિવૃત્તિના લાભો પર અત્યંત વિપરીત અસર પડે છે. ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરનાર યુવાનો જ્યારે સરકારી સેવામાં જોડાય છે, ત્યારે વધતી મોંઘવારી, પરિવારની જવાબદારીઓ અને બાળકોના શિક્ષણના ખર્ચ વચ્ચે અલ્પ ફિક્સ પગારમાં પાંચ વર્ષ વિતાવવા ખૂબ મુશ્કેલ બની જાય છે. ગુજરાત જેવા વિકસિત અને મોડેલ રાજ્યમાં યુવાનોને પાંચ વર્ષ સુધી પૂર્ણ લાભોથી વંચિત રાખવાની બાબતને અન્યાયી ગણાવીને અન્ય રાજ્યોની નીતિઓની સમીક્ષા કરવા માંગ કરાઇ છે.
કર્મચારી મહામંડળની મુખ્ય માગણીઓમાં ફિક્સ પગારના પાંચ વર્ષના સમયગાળાને પ્રથમ દિવસથી જ નિયમિત સેવા તરીકે ગણી તમામ નાણાકીય અને સેવાકીય લાભો આપવા. હાલમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા તેમજ ફિક્સ મુદત પૂર્ણ કરી નિયમિત થયેલા કર્મચારીઓના પેન્ડિંગ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા અને કર્મચારી પ્રતિનિધિઓ સાથે તાત્કાલિક બેઠક યોજવાની બાબતો સામેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application